ભારાપરમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ

ભુજ : ફ્રીઝ પર રાખેલો ફોન ભુલથી પડી જવા બદલ પત્નીને જીવતી સળગાવી દેનાર પતિને ભુજ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.આ કેસની વધુ વિગત મુજબ ભુજ તાલુકાના ભારાપર ગામે બે વર્ષ અગાઉ મરણજનાર ર૪ વર્ષિય શરીફાબાઈ પાસે તેના પતિ આમદ ઓસ્માણ કુંભારે ફ્રીઝ પર પડેલો ફોન આપવા જણાવ્યો હતો. શરીફાબાઈ હાથમાં ફોન લઈને આવતા હતા ત્યારે ભુલથી ફોન નીચે પડી જતા સ્વિચઓફ થઈ ગયો હતો. આ નજીવી બાબતે પત્ની જોડે ઝઘડો કરી કરી ઉશ્કેરાઈ જાઈને પતિ આમદે શરીફાબાઈને કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી. ત્યારબાદ ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સારવાર દરમિયાન શરીફાબાઈનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ માનકૂવા પોલીસે પતિ આમદ સામે આઈપીસી વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી. આ કેસમાં અધિક સેશન્સ જજ સી.એમ. પવારે ૧ર સાહેદો સહિત, દસ્તાવેજી પુરાવા અને બન્ને પક્ષોના વકીલોની દલોલી સાંભળી પતિ આમદને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ વિપુલ કનૈયા, હેમાલી પરમાર, સઈદબીન આરબ, મહેશ સીજુ હાજર રહીને દલીલો કરી હતી. જ્યારે સરકારી પક્ષે એડવોકેટ દિનેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.