ભારત-શ્રીલંકા વચ્ચે ટ્‌વેન્ટી જંગ માટે તખ્તો તૈયાર કરાયો

કોલંબો : કરોડો ક્રિકેટ ચાહકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચ રમાનાર છે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતના સ્ટાર ખેલાડીઓ આ ત્રિકોણીય ટ્‌વેન્ટી-૨૦ શ્રેણીમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય સ્ટાર ખેલાડી આમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં આ ટીમમાં શિખર ધવન વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં રહેશે. જો કે આ શ્રેણીમાં પણ ભારત હોટફેવરટી તરીકે રહેશે. ટીમમાં સામેલ કરવામાં આવેલા યુવા ખેલાડીઓને શાનદાર દેખાવ કરવાની તક છે. રાઉન્ડ રોબિન ફોર્મેટના આધાર પર આ શ્રેણી રમાનાર છે. શ્રીલંકાની સ્વતંત્રતાના ૭૦ વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે આ શ્રેણીનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ શ્રેણીમાં ભારત અને શ્રીલંકાની સાથે ત્રીજી ટીમ તરીકે બાંગ્લાદેશ છે.