ભારત પાસે કિશનગંગા બંધનાં પાણીની માહિતી માગતું પાક

લાહોરઃ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાંના કિશનગંગા બંધમાંની પાણીની આવક અને ત્યાંથી છોડવામાં આવતા પાણીની વિગત પૂરી પાડવા ભારત પાસે માગણી કરી હતી. પાકિસ્તાને કિશનગંગા બંધના નિરીક્ષણની તારીખ પણ ભારત પાસે માગી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સિંધુના પાણીની વહેંચણી માટેના કાયમી પંચની ૧૧૫મી બેઠકમાં ભારતે કિશનગંગા જળવિદ્યુત પ્રકલ્પ સહિતના ઝેલમ તટપ્રદેશ પરના પ્રૉજેક્ટ્‌સનું નિરીક્ષણ કરવા પાકિસ્તાનને પરવાનગી આપી હતી.ઇસ્લામાબાદે પણ સિંધુ નદી પરના કોટ્રી બંધનું નિરીક્ષણ કરવા નવી દિલ્હીને પરવાનગી આપી હતી. પાકિસ્તાનના એક અખબારે સિંધુ નદીના
પાણી માટેના પંચના પાકિસ્તાની સભ્ય સૈયદ મહંમદ મહેર અલી શાહને એમ કહેતા ટાંક્યા હતા કે અમે ભારતના સિંધુ નદીના પાણીને લગતા સત્તાવાળાઓને કિશનગંગા બંધના નિરીક્ષણની તારીખો આપવા લેખિત વિનંતિ કરી હતી. અમે આ બંધમાંની પાણીની આવક અને તેમાંથી છોડાતા પાણીની વિગત પણ માગી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ઝેલમ તટપ્રદેશમાં પાણી આવે છે અને ભારત તેના બંધ દ્વારા છોડવામાં આવતા પાણીની વિગત આપવા કરાર હેઠળ બંધાયેલું છે.ભારતે બે જળવિદ્યુત પ્રકલ્પ – ૧,૦૦૦ મૅગાવૉટના પાકલ દુલ અને ૪૮ મૅગાવૉટના લૉઅર કાલનાલનું નિરીક્ષણ કરવા પાકિસ્તાનને પરવાનગી આપી હતી. ભારતીય સત્તાવાળાઓએ અગાઉ ૭મીથી ૧૧મી ઑક્ટોબર દરમિયાન ભારતીય સત્તાવાળાઓની ત્રણ સભ્યની ટુકડીને આ જળવિદ્યુત પ્રકલ્પના નિરીક્ષણ માટે પરવાનગી આપી હતી, પરંતુ બાદમાં કાશ્મીરની સ્થાનિક ચૂંટણીનું કારણ આપીને તારીખો પાછળ ઠેલી હતી. સૈયદ મહંમદ મહેર અલી શાહે જણાવ્યું હતું કે પાકિસ્તાનના સત્તાવાળાઓ કિશનગંગા પ્રકલ્પનું બારીકાઇથી નિરીક્ષણ કરવા માગે છે. પાકિસ્તાને આ બંધની ડિઝાઇન અને બાંધકામ અંગે અગાઉ અનેક વાંધા ઉઠાવ્યા હતા.