ભારત-પાક વચ્ચે ફરી શરૂ થઇ ટ્રેક-ટૂ ડિપ્લોમસી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન તરફથી થઈ રહેલા વારંવારના આતંકવાદી હુમલા વચ્ચે ભારતીય નિષ્ણાતોનો એક ટુકડી ભારત અને પાકિસ્તાનના સરહદી પ્રશ્ર્‌નો અને ટ્રેક-ટૂ ડિપ્લોમસી અંગે વાતચીત કરવા પાકિસ્તાન પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેક-ટૂ ઇનિશિયેટિવ મંત્રણા અંગે મૈત્રીપૂર્ણ માહોલમાં શરૂ થયેલી વાતચીત નવીન શરૂઆત તરફનું પગલું કહી શકાય. ભારત તરફથી વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ વિવેક કાત્જૂ તથા શિક્ષણવિદ્‌ જે એસ. રાજપૂત તથા અન્ય હાજર રહ્યા હતા. પાકિસ્તાન તરફથી પૂર્વ વિદેશ સચિવ ઇનામૂલ હકે તેમની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૨૮થી ૩૦ એપ્રિલ ૨૦૧૮ના રોજ ઇસ્લામાબાદમાં યોજાયેલી બેઠકમાં બંને દેશોની સમસ્યાને સંવાદ દ્વારા ઉકેલવા અંગે ચર્ચા થઈ હતી. પાકિસ્તાન તરફથી બેઠકમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના પૂર્વ ગવર્નર ઇશરત હુસેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ઈશરતનું નામ જુલાઈમાં આવનારા ઇલેકશનમાં રખેવાળ વડા પ્રધાન તરીકે સંભવિત નામ હોવાનું મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. ટ્રેક-ટૂ સંદર્ભે થયેલી બેઠક અત્યંત ખાનગી રહી હતી. આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ૧૯૯૦માં આવો સંવાદ યોજાયો હતો જેમાં પૂર્વ સચિવ, લશ્કરી અધિકારીઓ તથા શિક્ષણવિદ્‌નો સમાવેશ થાય છે. જેને બંને દેશના વિદેશ મંત્રાલયનો ટેકો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ૨૦૧૬માં પાકિસ્તાન આતંકવાદી ગ્રૂપે કરેલા હુમલા અને ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે જેમાં ભારતના કુલભૂષણ જાધવની પાકિસ્તાને કરેલી ધરપકડ પછી ભારત-પાકિસ્તાન વિખવાદ વધુ ઘેરો બન્યો છે.