ભારત-પાકિસ્તાન મંત્રણા માટે અમેરિકાનું ભારે દબાણ

ઇસ્લામાબાદઃ અણુશસ્ત્રો ધરાવતા બે પડોશી દેશ ભારત અને
પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટે તે માટે અમેરિકાનું વહીવટીતંત્ર ભારત અને પાકિસ્તાન પર વિવાદાસ્પદ કાશ્મીર મુદ્દે વાટાઘાટ કરવા દબાણ કરી રહ્યું હોવાનું પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અફઘાન સમસ્યા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય તે માટેના પ્રયાસના ભાગરૂપ અમેરિકા દક્ષિણ એશિયાના આ બંને દેશ વચ્ચે સ્થિતિ સામાન્ય બને તે માટે પ્રયાસ કરી રહ્યું છે. સમાચારપત્રના અહેવાલમાં સરકારી અધિકારીઓ તેમ જ રાજદ્વારી સૂત્રોને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે તાજેતરમાં જ આ બંને દેશની લીધેલી મુલાકાત દરમિયાન અમેરિકાનાં વિદેશ પ્રધાન રૅક્સ ટિલરસને આ મુદ્દો ભારત અને પાકિસ્તાન એમ બંને દેશની નેતાગીરી સાથે ઉપાડી લીધો હતો. ટિલરસનની બંને દેશની મુલાકાત બાદ વિવાદાસ્પદ કાશ્મીર વિસ્તારમાં અંકુશરેખા પાસે હિંસાની ઘટનામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો હોવાની બાબત અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલાં પ્રયાસોનું ફળ હોવાનું માનવામાં આવી રહ્યું છે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.