ભારતમાં મોંઘવારી પાંચ મહિનાની ટોચ પર

ઔદ્યોગિક ઉત્પાદનના વિકાસદરમાં મામૂલી વધારો

નવી દિલ્હીઃ શાકભાજી અને ફળોના ભાવ વધવાથી આૅગસ્ટમાં છૂટક ફુગાવાનો દર પાંચ મહિનાની ટોચ પર ૩.૩૬ ટકા રહ્યો હતો, જ્યારે જુલાઇમાં વસ્તુ અને સેવા કર (જીએસટી)ના અમલની માઠી અસરને લીધે ઔદ્યોગિક ઉત્પાદનમાં મામૂલી વધારો થયો હતો. દરમિયાન, ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકવાની શક્યતા નકારી કાઢી હતી. ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડૅક્સ પર આધારિત ફુગાવો આગલા મહિને એટલે કે જુલાઇમાં ૨.૩૬ ટકા હતો,
પરંતુ તે આૅગસ્ટમાં વધીને ૩.૩૬ ટકા થઇ ગયો હતો. અગાઉ, ચાલુ વર્ષના માર્ચમાં ફુગાવાનો દર ૩.૮૯ ટકા નોંધાયો હતો. સૅન્ટ્રલ સ્ટૅટિસ્ટિક્સ આૅફિસે જાહેર કરેલા આંકડા મુજબ આૅગસ્ટમાં ફળોમાં ફુગાવાનો દર ૫.૨૯ ટકા અને શાકભાજીમાં ૬.૧૬ ટકા થયો હતો.આ ઉપરાંત, તૈયાર ભોજન, નાસ્તા, મીઠાઇના ભાવ વધ્યા હતા તેમ જ પરિવહન અને સંદેશવ્યવહાર મોંઘાં થયાં હતાં.દરમિયાન, જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદનનો નિર્દેશાંક ૧.૨ ટકા વધ્યો હતો.મૅન્યુફૅક્ચરિંગ (ઉત્પાદન) ક્ષેત્રમાંના ૨૩ ઔદ્યોગિક જૂથમાંથી આઠે હકારાત્મક વિકાસદર નોંધાવ્યો હતો.ખાણકામ ક્ષેત્રમાં ૪.૮ ટકા અને વીજળી ક્ષેત્રમાં ૬.૫ ટકાનો વિકાસદર નોંધાયો હતો. માંસ, માછલી, તેલ, ફૅટ્‌સ, જાડું ધાન્ય જેવી અમુક ચીજો આૅગસ્ટમાં સસ્તી થઇ હતી.