ભારતમાં બદલાશે જાબસિસ્ટમ

મુંબઇ : ૯થી ૫ની શિફટની સાથે સાથે વાર્ષિક પગાર વધારો, રિટેન્શન બોનસ તથા સારી એવી સંખ્યામાં કેજયુઅલ અને પ્રિવલેજ લીવ્સ (સીએલ અને
પીએલ) ટૂંક સમયમાં ભૂતકાળની વાતો બની શકે છે. નિમણૂકો અને કામગીરીના પ્રકારમાં ઝડપી ગતિએ ફેરફાર થઈ રહ્યા છે, કારણ કે કંપનીઓ કોસ્ટ કટિંગ અને ઓટોમેશન જેવી નવી ટેકનોલોજીને અપનાવવાની જરૂરિયાત અનુભવી રહી છે. કાયમી નોકરીઓ કે ત્રણથી પાંચ વર્ષ સુધી કોન્ટ્રેકટનો કોન્સેપ્ટ ધીમ ધીમે બંધ થઈ જશે. કેલીઓસીજી તરફથી કરવામાં આવેલા વર્કફોર્સ એજિલિટી બેરોમીટર સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, હજી પણ ભારતમાં ૫૬ ટકા કંપનીઓમાં ૨૦ ટકા વર્કફોર્સ કામની સમયમર્યાદાના આધાર પર નિયુકત થાય છે. ૭૧ ટકા કંપનીઓ આ પ્રકારની નિમણૂકો આગામી બે વર્ષમાં વધવાની આશા વ્યકત કરી રહી છે, જે એશિયા પેસિફિક સેકટરમાં સૌથી વધુ હશે. આઈટી, શેયર્ડ સર્વિસ સેન્ટર્સ અને સ્ટાર્ટઅપ્સમાં સૌથી વધુ નિમણૂકો કામની સમયમર્યાદાના આધાર પર થઈ રહી છે. આ આધાર પર નિમાયેલા લોકોમાં ફ્રીલાન્સર્સ, ટેમ્પરરી સ્ટાફ, સર્વિસ પ્રોવાઇડર્સ, અલુમની, કન્સલ્ટેન્ટ્‌સ અને ઓનલાઇન ટેલેન્ટ કમ્યુનિટીઝ વગેરેનો સમાવેશ થાય છે. આ મોડલને ગિગ ઇકોનોમીનું નામ આપવામાં આવ્યું છે, કારણ કે કંપનીઓ સ્થાયીની જગ્યાએ અસ્થાયી રીતે કર્મચારીઓની નિમણૂક કરી રહી છે. આ ગિગ ઇકોનોમીમાં લોકો માગ અને પસંદગી મુજબ, અલગ અલગ પ્રોજેકટ્‌સ અને સંગઠનોમાં જોવા મળતી ડિમાન્ડ-સપ્લાય મોડલ પર કામ કરે છે. જયારે અર્થવ્યવસ્થા મંદ પડે છે અને ઊભરતી ટેકિનક બિઝનેસ મોડલ્સને ચેલેન્જ કરે છે ત્યારે કંપનીઓને ગિગ ઇકોનોમી વધુ પસંદ આવે છે, કારણ કે તેમાં તેમને સ્ટાફ પર ખર્ચ ઘટાડીને પણ વિભિન્ન પ્રકારના પ્રોફેશનલ્સની સેવાઓ મેળવવાની સુવિધા મળે છે. જયારે કંપનીઓ સામે માર્કેટની જરૂરિયાતો મુજબ, પોતાના કર્મચારીઓનેરિસ્કિલ કરવાનો પડકાર હોય છે, ત્યારે ઊભરતી ટેકિનકોમાં મોટી સંખ્યામાં નોકરીઓ ગિગ ઇકોનોમીનો હિસ્સો બની જાય છે.કામના કલાકો નક્કી કરવાની સ્વતંત્રતા એટલે કે ફલેકસી અવર્સ ગિગ ઇકોનોમીમાં ફિટ બેસે છે. ફલેકસી અવર્સથી એમ્પલોઇઝને તેમના વર્ક અવર્સ પર વધુ નિયંત્રણ મળે છે. આ મોટે ભાગે ગિગ વર્કર્સ માટે સંભવ બની શકતું નથી, કારણ કે તેમની નિયુકિતઓ કોઈ ખાસ પ્રોજેકટ્‌સ માટે થાય છે, જયાં કામના આધાર પર વેતન મળે છે. જેમ જેમ કામ કરવાનો મિજાજ બદલાઈ રહ્યો છે, તેમ તેમ ભરતીઓની રીત પણ બદલાઈ રહી છે. આગામી દસ વર્ષોમાં તમારી જોબ મેળવવાની અને કામ કરવાની રીત ખૂબ બદલાઈ જશે.