ભારતનો રિકવરી રેટ અન્ય દેશો કરતાં ઘણો સારો,કેસ ૨૧ દિવસમાં ડબલ થઇ રહ્યા છે

0

ન્યુ દિલ્હી,કોવિડ-૧૯નાં રેકોર્ડતોડ કેસોની વચ્ચે એક સારા સમાચાર છે. અત્યાર સુધી બે તૃતિયાંશ કોરોના દર્દીઓ ઠીક થઈને ઘરે આવી ચુક્યા છે. ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની મીટિંગમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯થી રિકવર થયેલા દર્દીઓનો આંકડો ૧૦ લાખને પાર થઈ ગયો છે. આજની તારીખમાં ૧૦,૫૭,૮૦૫ લોકો કોરોના મુક્ત થઈ ચુક્યા છે. દેશમાં કુલ ૧૬,૩૮,૮૭૦ કેસ છે.હર્ષવર્ધનનાં જણાવ્યા પ્રમાણે, ભારતનો રિકવરી રેટ ઘણો સારો થઈને ૬૪.૫૪ ટકા થયો છે. ફૈટલિટી રેટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ બીમારીથી મૃત્યુ દર ઘટીને ૨.૧૮ ટકા થઈ ગઈ છે. ભારતનો રિકવરી રેટ સતત સારો થઈ રહ્યો છે. જુલાઈનાં અંતિમ અઠવાડિયામાં રેકૉર્ડ સંખ્યામાં રિકવરી નોંધાઈ રહી છે. અત્યારે ભારતમાં ૫,૪૫,૩૧૮ એક્ટિવ કેસ છે જે રિકવર થયેલા કેસનાં અડધા છે. કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈ જીતનારા લોકોની સંખ્યા ૧૦ લાખનો આંકડો પાર કરી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭ હજારથી વધારે લોકો ઠીક થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.દેશમાં ૦.૨૭ ટકા દર્દી એવા છે જે વેન્ટિલેટર પર હતા, ૧.૫૮ ટકા આઈસીયૂમાં એડમિટ છે. ૨.૨૮ ટકા દર્દીઓને કોઈ પ્રકારનાં ઑક્સિજન સપોર્ટની જરૂર પડી રહી છે. હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં કોરોનાનાં કેસ ૨૧ દિવસમાં ડબલ થઈ રહ્યા છે. જૂનનાં મહિનામાં ડબલિંગ રેટ ૧૦-૧૨ દિવસની વચ્ચે હતો. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારની વાત કરતા કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૬.૪૨ લાખથી વધારે સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ દાવો કર્યો છે કે છેલ્લા એક મહિનામાં દેશભરમાં લગભગ એક કરોડ ટેસ્ટ થયા છે.