ભાનાડા હત્યા કેસમાં વધુ નવ આરોપીઓના ખુલ્યા નામ

પકડાયેલા બે આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે

 

નલિયા : અબડાસા તાલુકાના ભાનાડા ગામે જમીન મુદ્દે આધેડ ઉપર સરાજાહેર ગોરીબાર કરી મોતને ઉતારી હત્યારા નાસી છુટ્યા હતા. પંજાબમાંથી પોલીસએ આરોપીઓને પકડી પાડી ૧૪ દિવસના રિમાન્ડ મેળવી તપાસનું પગેરૂ પંજાબ તરફ દબાવતા અન્ય આરોપીઓ નહીં પકડતા ખાલી હાથ પોલીસ ટીમ પરત ફરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. રર-પના મનજીતસિંઘ ચરણસિંઘ જાટ (શીખ) (ઉ.વ. પર)ની જમીન મુદ્દે ચાલતા વિવાદો સરજાહેર ગોળીબાર કરી હત્યા કરી નખાઈ હતી તો તેમના બે પુત્રો સુરેન્દ્રસિંઘ તથા સુખવિન્દરસિંઘ ઉપર જાન લેવા હુમલો કરાયો હતો. મોહાલી પોલીસ મથકે હથિયારો સાથે પકડાયેલા મહાવીરસિંઘ સુખેતસિંઘ શીખ તથા ગુરપ્રિતસિંઘ સુબેતસિંઘ શીખને કોઠારા પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી કચ્છ લવાયા હતા. બંનેને કોર્ટમાં રજુ કરતા નલિયા કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ ટુકડી અન્ય આરોપીઓને ઝડપી પાડવા પંજાબ તરફ પગેરૂ દબાવ્યું હતું, પરંતુ અન્ય કોઈ આરોપીઓને પકડવામાં પોલીસને કોઈ સફળતા મળી ન હતી. આરોપીઓની પુછપરછમાં ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓ સિવાય અન્ય નવ શખ્સોના નામો ખુલ્યા હતા. આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતા હોઈ કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે તપાસના હિતમાં નવ આરોપીઓના નામો જાહેર કરાયા ન હતા.