ભાડુઆતને મકાન ભાડે આપી ઓળખ પુરાવા ન રાખતા લોકો માટે લાલબત્તીરૂપ કિસ્સો

નલિયામાં પરપ્રાંતિય નાગરિકને મકાન ભાડે આપી પોલીસમાં નોંધ ન કરાવનાર મકાન માલિક સામે ગુનો

ભુજ : જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું અમલી બનાવાયું છે કે, જિલ્લામાં જે કોઈ વ્યક્તિ પરપ્રાંતિય નાગરિકને મકાન ભાડે આપે તો તેની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવી પડે તેમજ ઓળખ પુરાવા પણ આપવા પડે, પરંતુ આવા જાહેરનામા માત્ર કાગળ પુરતા સિમિત રહેતા હોઈ પોલીસે હવે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.નલિયામાં પરપ્રાંતિય નાગરિકને મકાન ભાડે આપી પોલીસમાં નોંધ ન કરાવનાર મકાન માલિક સામે ફરિયાદ થઈ છે. નલિયાની શક્તિ સોસાયટીમાં રહેતા લક્ષ્મીદાસ ભીમજી ભાનુશાલીએ પોતાનું છડ ફળિયામાં આવેલું મકાન પરપ્રાંતિયને ભાડે આપી તેના કોઈ ઓળખ પુરાવા સ્થાનિક પોલીસમાં આપ્યા ન હતા. જેથી કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતા એસઓજીના હેડ કોન્સ્ટેબલ સાજીભાઈ રબારીએ નલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.