(જી.એન.એસ.)ગાંધીનગર,ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે પણ છાસવારે બેફામ બનેલા બુટલેગરો દારૂના જથ્થા સાથે ઝડપાઇ આવે છે. ત્યારે બાતમીના આધારે અડાલજ પોલીસે ગાંધીનગરના ભાટ ગામની સીમમાં આવેલી એ.પિ.એસ સ્કૂલની પાસે આવેલા ખેતરની વાડમાંથી ૮૭ હજારની કિંમતની ભારતીય બનાવટની ૫૪૪ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી અમદાવાદના બુટલેગરની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ગાંધીનગર જિલ્લામાં ચાલતી દારૂની પ્રવૃત્તિઓ ઉપર લગામ લગાવવા માટે પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સક્રિય કામગીરી કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવેલી છે. ત્યારે અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે એચ સિંધવનાં માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અરવિંદ ભલાજી સ્ટાફના માણસો સાથે કોબા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન કોન્સ્ટેબલ આશિષકુમારને બાતમી મળી હતી કે ભાટ ગામની સીમમાં આવેલી એ.પી.એસ સ્કૂલ પાસે ખોડીયાર નર્સરીનું પોસ્ટર લગાવેલા ખેતરની કિનારીએ વાડમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના લાલો ઉર્ફે લલ્લુ સિંધીએ સંતાડી રાખ્યો છે.જેના પગલે અડાલજ પોલીસનો કાફલો ઉપરોકત સ્થળે દોડી ગયો હતો અને ખેતરમાં શોધખોળ કરતા તેની કિનારીએ બનાવેલી વાડમાં વિદેશી દારૂની કુલ નંગ ૫૪૪ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પોલીસની રેડની ગંધ આવી જતા અમદાવાદનો બુટલેગર લાલો સિંધી ફરાર થઈ ગયો હતો. આ અંગે અડાલજ પોલીસે કિ. રૂ. ૮૭,૫૮૮ નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.