ભાજપ કોને ટિકિટ આપશે? ઘરનાં ભૂવાઓને કે વગર ડાકલે ધૂણનારાને ?

અમદાવાદ : ભાજપમાં કોંગ્રેસી નેતાઓના આવવાથી વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા સ્થાનિક નેતાઓના પેટમાં ફાળ પડી છે કે તેમનો સૌથી મોટો પ્રશ્ન ટિકિટ કોને મળશે. જૂના જોગીને કે નવા યોગીને. આ બધા વચ્ચે ડાકોર ખાતે ગઈકાલે યોજાયેલ એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના
પૂર્વ ધારાસભ્યો રામસિંહ પરમાર અને માનસિંહ ચૌહાણે ભાજપનો કેસરીયો પહેર્યો હતો. ક્ષત્રિય સમાજના કોંગ્રેસી નેતાઓના ભાજપમાં જોડાવાથી સ્થાનિક નેતાઓને અસુરક્ષાની લાગણી છે કે મધ્ય ગુજરાતમાં ભાજપનો પાયો મજબૂત કરવા માટે તેમણે વર્ષોથી મહેનત કરી છે અને હવે કદાચ નવા જોડાયેલ કોંગ્રેસી નેતાઓ ટિકિટ લઈ જશે. કેમ કે કદાચ આ જોડાણ સાથે જ તેમને ટિકિટનું પણ વચન આપવામાં આવ્યું હોઈ શકે છે. સ્થાનિક ભાજપના નેતાઓનું કહેવું છે કે, ‘ગત વિધાનસભા ચૂંટણીમાં ઠસરા બેઠક પરથી અમારા નેતા પ્રતિક્ષાબેન પરમાર અને બાલાસિનોર બેઠક પરથી
પપ્પુભાઈ પાઠક(રાજેશ પાઠક) નજીવા ફેર સાથે હારી ગયા હતા. જે બાદ આ વિસ્તારમાં ભાજપનો બેઝ મજબૂત કરવા માટે પાછલા ચાર વર્ષથી તેમણે ખૂબ મહેનત કરી છે. જોકે હવે કોંગ્રેસની નેતાઓના આવવાથી તેમને પ્રાથમિક્તા ન  આપવામાં આવે તેવી શક્યતા છે.’ જ્યારે ભાજપના પ્રવક્તા ભરત  પંડ્‌યાએ કહ્યું કે, ‘રામસિંહ અને માનસિંહના ભાજપમાં પ્રવશેથી ભાજપનો પ્રભાવ વધ્યો છે. આ બંને ખેડા, આનંદ અને મહિસાગર જિલ્લાના સૌથી મોટા કદાવર નેતા છે. જેથી આ ત્રણ જિલ્લામાં અમારી જીત નિશ્ચિત છે. જ્યારે પાર્ટીમાં તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જશે. કેમ કે, અમારો દરેક કાર્યકર્તા  પોતાના સ્વાર્થીની સામે દેશ અને પાર્ટીને પહેલા મુકે છે.’