ભાજપ-કોંગ્રેસને મળેલા મતો વચ્ચે માત્ર ત્રણ ટકાનો ફરક

૩ ટકાથી વધુ મતો તો પડ્યા નોટામાં : ભાજપે ૬ બેઠકો પર કુલ્લ ૪,૧૭,૯૮ર મત મળ્યા-કોંગ્રેસને મળ્યા ૩,૮૭,૩૩૭ મત : પાતળી સરસાઈ આગામી લોકસભા ચૂંટણી માટે લાલબત્તી

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામોમાં ભાજપ કોંગ્રેસ બન્ને પાસે હરખાવા જેવું કાંઈ નથી અને બન્નેને જે મળ્યું છે તેનો આનંદ પણ છે. જનતાનો ચુકાદો જ કાંઈક એવો છે કે બન્ને પક્ષોના સમીકરણો ઉલટા થઈ ગયા છે. તેમાંય કચ્છના પરિણામો કયાંકને કયાંક ચોંકાવનારા પણ સાબિત થયા છે.
ગુજરાતના પરિણામમાં ભાજપને સત્તા મળી પણ માત્ર ૯૯ બેઠકો આવી ૧૦૦નો આંક પણ સિદ્ધ ન થયો. જ્યારે કોંગ્રેસની બેઠક વધી પણ મહારથીઓ મ્હાત થયા. ત્યારે બન્ને પક્ષોના ગણિતને પ્રજાએ ઉથલ-પાથલ કરી નાખ્યા છે. કચ્છની જ વાત કરીએ તો કચ્છમાં ભાજપના બે માધાંતાઓ ખરી પડ્યા અને કોંગ્રેસના એક મહારથીની મ્હાત થઈ ત્યારે ધારણા કરતા જુદુ જ પરિણામ આવતા બન્ને પક્ષો માટે આ મનોમંથનનો વિષય છે. વાત કરીએ કચ્છમાં કઈ રીતે મતોનું ધ્રુવીકરણ થયું તેની તો કચ્છમાં કુલ મતદારો ૧૪,ર૮,૦૦૬ હતા તેમાંથી ૬૩.૯પ ટકા મતદાન થયું એટલે ૯,૧૩,૧૯ર મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાંથી ૪પ.૭૭ ટકા એટલે કે ૪,૧૭,૯૮ર મતો ભાજપને મળ્યા છે. સામે કોંગ્રેસને કુલ મતના ૪ર.૪૧ ટકા એટલે કે ૩,૮૭,૩૩૭ મત મળ્યા છે એટલે ભાજપને ૪પ.૭૭ ટકા જ્યારે કોંગ્રેસને ૪ર.૪૧ ટકા મત મળતા બન્ને વચ્ચેનો ફરક માત્ર ૩ ટકા જેટલો જ છે. આંકડાની દૃષ્ટીએ જાવામાં આવે તો કોંગ્રેસ કરતા ભાજપને માત્ર ૩૦,૬૪પ મતો જ વધુ મળ્યા છે. મતોનું આ ગણિત આગામી ર૦૧૯ની લોકસભામાં અસરકર્તા કહી શકાય. અન્ય એક ફેકટર જાવા જાઈએ તો કચ્છમાં ૩ ટકાથી વધુ મતો નોટામાં પડ્યા છે. આ ફેકટર બન્ને પક્ષો માટે લાલબત્તી સમાન છે. ખાસ તો ભાજપ અને કોંગ્રેસને મળેલા કુલ મતોના તફાવત કરતા વધુ વોટ નોટામાં પડ્યા છે. ભાજપ અને કોંગ્રેસના વોટ વચ્ચેનો ફરક માત્ર ૩૦,૬૪પ છે. જ્યારે કચ્છની છએ છ બેઠકો પર નોટામાં ૩૪,પ૪પ મત પડ્યા છે. ત્યારે કચ્છ સહિત ગુજરાતનું આવેલું પરિણામ માત્ર કોંગ્રેસ માટે પણ ભાજપ માટે પણ વિચાર માંગી લે તેવો ચુકાદો છે.