ભાજપ કાર્યાલયમાં અનૂસુચિત જાતિના નેતાના પ્રવેશ પર પાબંદી

અમદાવાદ : સમાચાર અનુસાર ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ખાનપુરના કાર્યાલયમાં ભાજપના જ દલિત નેતા ગિરીશ પરમારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જોકે, પરમારે ભાજપના શહેર પ્રમુખ જગદીશ પંચાલના આદેશને માનવાનો ઇન્કાર કરીને કાર્યાલયમાં આવવાનું અને બેસવાનું ચાલુ રાખ્યું છે. ગિરીશ પરમાર ભાજપમાં જોડાતા પહેલાં કોંગ્રેસ અને રાજપામાં હતા. શંકરસિંહ વાઘેલા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકારમાં ગિરીશ પરમાર શ્રમમંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૨ની વિધાન સભાની ચૂંટણી તેમણે ભાજપમાંથી દાણીલીમડા બેઠક પરથી લડી હતી અને તે ચૂંટણી હારી ગયા હતા. તેમને ભાજપના કાર્યાલયમાંથી એવો સંદેશો મોકલવામાં આવ્યો હતો કે તેમણે કાર્યાલયમાં આવવું નહીં. તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે આ આદેશ આપ્યો છે. ગિરીશ પરમારએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેમને ખાનપુરમાં બેસવા માટે ટેબલ અને ખુરશી આપ્યા હતા.