ભાજપે મોટાપાયે ગુમાવેલા મત કોંગ્રેસને મળ્યા નથી

પાંચ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપે ૩ મહત્ત્વના રાજ્યોમાં વોટ શેર ગુમાવ્યો, જેનો લાભ અન્યોને પણ મળ્યો

 

નવીદિલ્હી : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં ત્રણ અગત્યના રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપનો વોટ શેર (મતોની ટકાવારી) ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણી પછી ઊંધા માથે પટકાયો છે. જો કે ભાજપે ગુમાવેલા તમામ મતો એકમાત્ર કોંગ્રેસને મળ્યા નથી પરંતુ તેનો લાભ અન્યોને પણ મળ્યો છે. વોટ શેરમાં નુકસાન ભાજપને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદથી અત્યાર સુધીમાં સૌથી વધુ થયું છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે આ ત્રણેય રાજ્યોમાં તમામ ૬૫માંથી ૬૨ સીટો જીતીને સપાટો બોલાવ્યો હતો. તેલંગણા અને મિઝોરમમાં પ્રાદેશિક પક્ષો મજબૂતીથી આગળ આવ્યા અને ૨૦૧૪ પછીના ટ્રેન્ડમાં જોવા મળ્યું છે કે અનેક રાજ્યોમાં બીનભાજપા અને બીનકોંગ્રેસી પાર્ટીઓની મજબૂત ઉપસ્થિતિ હોય.
રાજકીય પંડિતો કહે છે કે આ ટ્રેન્ડ દર્શાવે છે કે પ્રાદેશિક પાર્ટીઓ આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જેનો અંદાજ હાલ ભાજપ અને ખાસ કરીને પીએમ મોદી સામે મોરચો માંડવાના પ્રયાસો જે રીતે અન્ય વિપક્ષો દ્વારા થાય છે તેમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સોમવારે જ દિલ્હીમાં ૨૧ વિપક્ષી પાર્ટીઓની મીટિંગ મળી હતી, જેનો એજન્ડા ભાજપને સત્તા પરથી દૂર કરવાની રણનીતિ ઘડવાનો હતો. છત્તીસગઢમાં ચૂંટણીનો ડેટા જોઈએ તો કોંગ્રેસને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ૪૩.૨ ટકા મત મળ્યા છે, ૨૦૧૩માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૪૦.૩ ટકા મત મળ્યા હતા. જ્યારે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં અહીં કોંગ્રેસને ૩૮.૩૭ ટકા મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસે આ રાજ્યમાંની ૧૧ લોકસભા સીટોમાંથી માત્ર એક જ સીટ મેળવી હતી.
આની તુલનામાં ભાજપના નુકસાન પર નજર નાખીએ તો તે ઘણું વધારે છે. ૨૦૧૩માં ભાજપનો વોટશેર ૪૧ ટકા રહ્યો હતો તે ઘટીને આ વખતે ૩૨.૯ ટકા થઈ ગયો છે. જ્યારે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૪૯ ટકા વોટ મળ્યા હતા અને ૧૧ લોકસભા સીટોમાંથી ૧૦ સીટો મળી હતી. મતોની ટકાવારીનું વિશ્લેષણ દર્શાવે છે કે કેટલીક નાની પાર્ટીઓ અને અપક્ષોએ વધુ મત મેળવવામાં સફળતા મેળવી છે. જ્યારે બસપાએ ૨૦૧૩માં ૪.૩ ટકા મત મેળવ્યા હતા. જેણે પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની પાર્ટી સાથે ગઠબંધન કરીને આ વખતે ૧૦.૭ ટકા મત મેળવ્યા છે.
અપક્ષોની વાત કરીએ તો આ મામલે જેમણે અગાઉ ૫.૩ ટકા મત મેળવ્યા હતા તેમનો વોટ શેર ૬.૩ ટકા થયો છે. આવી જ સ્થિતિ રાજસ્થાનમાં જોવા મળી છે. જેમાં ભાજપના મતની ટકાવારી ૨૦૧૩માં ૪૫.૨ ટકા રહી હતી તે આ વખતે ઘટીને ૩૮.૮ ટકા રહી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૫૫ ટકા મત મેળવ્યા હતા અને તમામ ૨૫ લોકસભા સીટો મેળવી હતી.
બીજીતરફ કોંગ્રેસ ૨૦૧૩ના પોતાના ૩૩.૧ ટકા વોટ શેરમાં સુધારો કરીને ૨૦૧૮માં ૩૯.૨ ટકા મત મેળવવામાં સફળતા મેળવી છે. ગત લોકસભામાં તમામ સીટો ગુમાવ્યા પછી પણ તેણે આ વિધાનસભા ચૂંટણીમાં ૩૦ ટકા જેટલા મત વધુ મેળવ્યા છે. જ્યારે અપક્ષોએ પણ રાજસ્થાનમાં પોતાના ૮.૫ ટકા વોટ શેરમાં વધારો કરીને આ વખતે ૯.૫ ટકા મત મેળવ્યા છે.