ભાજપમાં ફફડાટ : ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાર્યાલય ખોલવા – લોકસંપર્ક વધારવા આદેશ

  • યે પબ્લિક હૈ..! યે સબ જાનતી હૈ…!

આપની એન્ટ્રીથી રાજકીય ચિત્ર બદલાયું : વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષની ઈંતેજારી પરંતુ અત્યારથી જ સત્તાધારી પક્ષે પોતાની ખુરશી બચાવવા કાર્યકરોને દોડાવ્યા : ભાજપ પણ સ્વીકારી રહ્યું છે કે, કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીની વધારે રહેશે ટક્કર

(બ્યુરો દ્વારા)ભુજ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજયમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવી સફળતા મેળવી હતી. ગાંધીધામમાં તાલુકા પંચાયતની એક સીટ આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હતી. તો સુરત મહાનગરપાલિકામાં વિપક્ષમાં આપ પાર્ટી આવી છે. તેવામાં હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૮ર વિધાનસભા સીટ પર ચૂંટણી લડવાનું નગારે ઘા કરી દેતા મુખ્યત્વે સત્તાપક્ષ ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે. જેથી ચૂંટણીને ભલે દોઢ વર્ષની વાર હોય પરંતુ આપની એન્ટ્રીથી અત્યારથી જ રાજકીય ચિત્ર બદલાઈ જતા ભાજપે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાર્યાલય ખોલવા – લોકસંપર્ક વધારવા આદેશ આપી દીધો છે. મોટા શહેરોની સાથોસાથ ભુજમાં પણ બે – ત્રણ કાર્યાલયો જનસંપર્ક માટે ખોલી દેવાયા છે.આ અંગેની વિગતો મુજબ વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષોએ અત્યારથી જ શરૂ કરી દીધી છે. એમાય આ વખતે ગુજરાતનું રાજકીય ચિત્ર કંઇક અલગ જ રહેવાનું છે તેનો અંદેશો અત્યારથી જ આવી ગયો છે. સતાપક્ષ ભાજપ, કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટીના નગારે ઘા થયા છે. ત્રિપાંખિયા જંગમાં સતાપક્ષ ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો હોય તેવી એક માહિતી પ્રકાશમાં આવી છે. આમ આદમી પાર્ટીની લોકચાહનાનો ઇન્ડેક્ષ વધતો જાય છે તેવા વાવડ પ્રદેશ ભાજપની નેતાગીરી સુધી પહોંચતા અત્યારથી જ ડેમેજ કન્ટ્રોેલ સિસ્ટમ ફોર્મ્યૂલા ઘડવામાં આવી છે. કચ્છની વાત કરીએ તો જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં એકને સફળતા મળી, જો કે બાકીના ઉમેદવારો ભલે જીતી ન શક્યા પણ અન્ય ઉમેદવારોની હાર – જીતમાં મુખ્ય ભાગ ભજવ્યો હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. હાલમાં જિલ્લામાં સાંસદ, પાંચ ધારાસભ્યો, સાત નગરપાલિકા, જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયત ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે એક ધારાસભ્ય અને બે તાલુકા પંચાયત છે. ભાજપ પાસે સત્તા હોવા છતાં અત્યારથી ર૦રર ના ચૂંટણી જંગનો અંદેશો આવી જતા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેમાં ખાસ કરીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન પ્રતિનિધિઓને લોકસંપર્ક કાર્યાલય ખોલવા સુચના અપાતા નેતાઓ દ્વારા કાર્યાલયો ખુલ્લા મુકાઈ રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી પુર્વેની આ તૈયારી જોતા એવુ સ્પષ્ટપણે માની શકાય કે ભાજપમાં હડકંપ મચી ગયો છે. ભાજપના જ અંગત વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કમલમમાંથી એવો આદેશ આવ્યો છે કે, ભાજપના નગરસેવકો અને સદસ્યોને પોતાની ઘરે બેસીને કામ કરવાના બદલે પોતાના મતવિસ્તારમાં એક કાર્યાલય ખોલે. એટલુ જ નહીં. શેરીએ શેરીએ, ફળિયાઓમાં લોકસંપર્ક વધારો. ડોર ટુ ડોર લોકોને મળો. તેમની સમસ્યા જાણો અને ત્વરિત નિકાલ કરો. તાજેતરના દાખલાઓની વાત કરીએ તો ભુજમાં નગરસેવકોએ રાતો રાત કાર્યાલય ખોલ્યા. જિલ્લા પંચાયતના અમુક સદસ્યોએ પોતાના વિસ્તારની સમસ્યા જાણી ઉપલાસ્તરે રજૂઆતો કરી છે. તો જે નેતાઓ અન્ડર ગ્રાઉન્ડ રહેતા હતા તેઓ હવે માર્કેટમાં ચહલ પહલ કરતા જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજકારણમાં ભાજપ-કોંગ્રેસ સિવાય કોઇ ત્રીજો પક્ષ હજુ સુધી ફાવ્યો નથી એ અત્યાર સુધીનો ઇતિહાસ ગવાહી છે. આમ છતા આ વખતે વિધાનસભાની ચૂંટણી પુર્વે ત્રિ-પાંખિયા જંગના પગરવ થઇ ચુક્યા છે. પત્રકારત્વ જગતના માધાંતાઓમાં જેમના નામની ગણના થતી અને ખેડૂતોમાં લોકપ્રિય એવા ઇશુદાનભાઇ ગઢવીએ આમ આદમી પાર્ટીની ટોપી અને ખેંસ
પહેર્યા પછી પક્ષના આગેવાનોએ ગુજરાતના ગામડે ગામડે પ્રવાસ ખેડવાનું શરૂ કરી દેતા ભાજપની જેમ આમ આદમી પાર્ટીએ અત્યારથી ચૂંટણીની તૈયારીઓ આરંભી છે.