ભાજપને માત્ર ૯૯ બેઠકો મળતા સટ્ટાના સપાટામાં અનેક લોકો ધોવાયા

ભાજપને ૧૦૦થી ૧૦પ સુધીની  બેઠકો મળવા પર કચ્છમાં અનેક લોકોએ લગાડ્યો હતો સટ્ટો

 

એક્ઝીટ પોલે સટ્ટોડિયાઓને કર્યા ગુમરાહ !

ભુજ : ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં દરેક એક્ઝીટ પોલમાં ભાજપને સરેરાશ ૧૧૦થી ૧રપ બેઠકો બતાવાઈ રહી હતી. વિવિધ એજન્સીઓ દ્વારા સર્વે કરીને તારણ અપાયું હતું. એક્ઝીટ પોલ બાદ અનેક સટ્ટોડિયાઓએ પોતાની કિસ્મત અજમાવવા સટ્ટા બજારમાં ઝંપલાવ્યું હતું. ત્યારે એક્ઝીટ પોલ પણ સટ્ટા બજારને ફાયદો થાય તે રીતે ગોઠવાયા હતા કે કેમ તેવી ચર્ચાઓ જાગી રહી છે. જોકે ભાજપને પૂરી ૧૦૦ બેઠક પર ન આવતા કચ્છમાં લાખો-કરોડોનું નુકશાન સટ્ટોડિયાઓને ખમવું પડ્યું છે તેમાં કોઈ બેમત નથી.

 

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામ બાદ સટ્ટા બજાર સમીકરણો ઉધા પડતા લોકોના લાખો-કરોડો ડુબ્યા છે. ભાજપને માત્ર ૯૯ બેઠક આવતા સટ્ટો લગાડનારાઓના નવડા ન મળતા માથે હાથ દેવાનો વારો આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવેલા પરિણામને લઈને સટ્ટોડિયાઓનો મરો થયો છે. મોટાભાગના સટ્ટોડિયાઓએ ભાજપને ૧૦૦થી ૧૦પ અથવા તો ૧૧૦ બેઠકો મળશે તેના પર ખેલ કર્યો હતો. પરંતુ ઈવીએમમાંથી પરિણામ કાંઈક જુદુ જ નીકળતા કરોડોની અથલ પાથલ થઈ ગઈ હતી. કચ્છમાં જ ભાજપને લઈને મોટો સટ્ટો ખેલાયો હોવાનું ચચાર્યું હતું. જેમાં મળતી વિગતો પ્રમાણે ભાજપને ગુજરાતમાં ૧૦૦થી ૧૦પ બેઠકો મળશે તેવો દાવ લગાડાયો હતો. પરંતુ સટ્ટોડિયાઓના સમીકરણો ખોટા પડતા લાખો કરોડોનો ધુબ્બો લાગ્યો હતો.