ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કચ્છના ૬૦૦થી વધુ યુવાનો સાથે કરશે સીધો સંવાદ

ભુજ : આગામી વિધાનસભાની ચુંટણી નજીક આવી ગઈ હોઈ ભાજપ ચુંટણી મોડમાં આવી ગયો છે. ત્યારે રાજ્યના વિકાસમાં યુવાનોનો સાથ સહકાર રહ્યો છે. અને તેમની જ કલ્પનાનું ગુજરાત બનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ આગામી તારીખ ૧૦ યુવા ટાઉનહોલ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના યુવાનો સાથે સીધો સંવાદ કરશે ત્યારે કચ્છના ૬૦૦થી વધુ યુવાનો આ સીધા સંવાદ કાર્યક્રમમાં જાડાશે તેવું ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતે  પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ભાજપ રાષ્ટ્રને તથા લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય તેવી યોજનાઓને લક્ષ્યમાં રાખી નિર્ણય લે છે. કેન્દ્રની અગાઉની સરકારે કરેલા અન્યાયો સામે ગુજરાત અડીખમ ઉભુ રહ્યું છે. રાજયના વિકાસમાં યુવાઓની સારથી તરીકેની ભૂમિકા રહી છે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ યુવાનોનો વિશ્વાસ સંપાદન કરી સરકારે અનેક મહત્વની યોજનાઓ અમલી બનાવી છે. અને આગામી દિવસોમાં પણ અન્ય યોજના અમલી બનશે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ યુવા ટાઉનહોલ કાર્યક્રમ મારફતે કચ્છ સહિત રાજ્યના યુવાનો સાથે સીધો સંવાદ કરી યુવાનોના મનમાં ઉદ્દભવતા પ્રશ્નોનું નિરાકરણ કરશે. જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતુ કે, ગુજરાત ભાજપ યુવા મોરચા દ્વારા આગામી ૧૦મીના અમદાવાદથી પંડિત દિન દયાલ ઓડિટોરીયમ ખાતે સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમ યોજાશે. કચ્છમાં આદિપુર ખાતે પ્રદર્શન હોલમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ૬૦૦થી વધુ યુવાનો જાડાશે.
યુવાનો ૧૦ સપ્ટેમ્બર સુધી કોમ્યુનિકેશનના માધ્યમો, વોટ્‌સએપ, ફેસબૂક, ટ્‌વીટરથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સાથે જોડાઈ શકશે. યુવાનો દ્વારા કરાયેલા સુચનો અભિપ્રાયો અને પ્રશ્નો બાબતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ વિવિધ માધ્યમોથી જવાબ પણ આપશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઈન્ડિયા સંકલ્પ સિધિ માટે યુવાનો સાથે અમીત શાહ સીધો સંવાદ કરશે તે સહિત વિવિધ મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત ભાજપ દ્વારા ગુજરાતમાં થયેલા વિકાસકાર્યોની પણ ચર્ચાઓ કરાઈ હતી. જેમાં યુવાનોને મળેલ રોજગારી, યુવાઓનો સર્વાંગી વિકાસ, રમત ગમતના સંકુલો અને ૪૭ લાખ લોકોને અપાયેલા મા અમૃતમ યોજનાના કાર્ડ સહિતના વિકાસકાર્યોની વાત પત્રકાર  પરિષદમાં કરાઈ હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, મિડિયા ઈન્ચાર્જ ઘનશ્યામ આર. ઠક્કર, યુવા મોરચાના ઉપપ્રમુખ ભૌમિક વચ્છરાજાની સહિતના ઉપસ્થીત રહ્યા હતા.