ભાજપના કાર્યકર્તા કોરોના યોદ્વા બની કચ્છીઓની મદદ કરે

  • કોરોનાના કપરા કાળમાં સેવાહી સંગઠનની ભાવના સાથે

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના ગૃહમંત્રી રજની પટેલ અને કચ્છ ભાજપના પ્રભારી મહેન્દ્ર પટેલએ કોરોના સંદર્ભે કરી સમીક્ષા

ભુજ : સેવા-સાધાન અને સમર્પણ જ ભારતીય જનતા પાર્ટીના મુળ બીજમંત્રો રહ્યા છે. જાહેરજીવનના માધ્યમથી ભાજપ કુદરતી હોય કે, કૃત્રીમ દેશભરમાં કયાંય પણ આવતી આફત વખતે ભોગગ્રસ્તોની સમસ્યાઓને નિવારવા હમેશા પરિશ્રમ કરતો જ રહે છે. હાલમાં પણ મહામારીએ માજા મુકી છે અને સરકાર તેને ડામવા, લોકોને રાહત આપવા તમામ સક્ષમ પ્રયાસો કરી જ રહી છે, તેવામાં હવે જનસંઘથી જ સેવાને બીજમંત્ર બનાવનારા ભાજપ અને તેનો કાર્યકર્તા પણ કોરોનાના કપરાકાળમાં કચ્છીમાડુઓની સાથે ખભ્ભેથી ખભ્ભા મિલાવી અને તેમની સમસ્યાઓને હળવી કરવા સક્રીય બને તેવો અનુરોધ ગતરોજ કચ્છ આવેલા રજનીભાઈ પટેલ દ્વારા કરવામા આવ્યો હતો.કોરોના મહામારીના કપરા કાળમાં પરિસ્થિતિ ગંભીર બની છે. તેવામાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અને કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી મહેન્દ્ર પટેલે સરહદી કચ્છમાં કોરોના સંદર્ભ થતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ આગામી દિવસોમાં કઈ રીતે વ્યાપક કામગીરી થઈ શકે તે સહિતની ચર્ચા સ્થાનિક નેતાઓ સાથે કરી હતી. કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી રજનીભાઈ પટેલે સ્થાનિક નેતાઓ પાસેથી કોરોના સંદર્ભેની વિગતો મેળવી હતી અને કચ્છમાં કરાતી કામગીરીની સમીક્ષા કરી હતી તો કચ્છ ઉદય સાથેની વાતમાં રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જન સંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટી સુધીના ઈતિહાસમાં સમાજ પર જ્યારે જ્યારે આવી કોઈ આપદા કે મુશ્કેલી આવી છે ત્યારે ભાજપનો કાર્યકર હંમેશા લોકોની અને સમાજની વચ્ચે રહ્યો છે ત્યારે કોરોના મહામારીના કપરા કાળમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો વચ્ચે રહીને સેવા કરી રહ્યા છે. સેવા હી સંગઠનની ભાવનાથી પાર્ટી કાર્ય કરી રહી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વ અને માર્ગદર્શન તળે જ્યાં જે જરૂરિયાત છે ત્યાં બનતી મદદ કરાઈ રહી છે. જેમાં આઈસોલશેન બેડ, બ્લડ ડોનેશન કેમ્પ, આઈસોલેશન વોર્ડ ઊભા કરવા, ટિનિફ વ્યવસ્થા કરાઈ છે, હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરમાં લોકો સાથે કાઉન્સેલિંગ કરીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર લોકોને મદદરૂપ થવા પ્રયાસ કરે છે તો વેક્સિનેશન માટે પણ લોકોને પ્રેરીત કરાઈ રહ્યા છે. લોકો વધુને વધુ રસીકરણ કરાવે અને ઝડપથી કામગીરી થાય તેવા પ્રયાસો હાથ ધરાય છે અને આવી કામગીરીનો વ્યાપ વધુને વધી વિસ્તરે તે માટે આજની બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર, જિલ્લાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો ડો. નિમાબેન આચાર્ય, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી અનિરૂદ્ધ દવે સહિતના જોડાયા હતા.

  • આફતને અવસરમાં પલટાવવાનું કચ્છીજનો બખુબી જાણે છે : મહેન્દ્ર પટેલ
    દુકાળ – અછત હોય કે પછી સ્વાઈનફલુ જેવી બીમારીઓના અજગરીભરડામાંથી કચ્છને ઉગારનારા તત્કાલીકન જિલ્લા સમાહર્તા અને વર્તમાન કચ્છ ભાજપના જિલ્લા પ્રભારી મહેન્દ્ર પટેલે તંત્ર-સરકારને સહયોગ આપી કચ્છીમાડુઓ જનભાગીદારીનો વધુ એક વખત શ્રેષ્ઠ ઉદાહરણ અન્યોને દર્શાવશેનો વ્યકત કર્યો વિશ્વાસ

ભુજ : સૌનો સાથ સૌનો વીકાસ અને સૌનો વિશ્વાસના સુત્રને ખુદના સનદિ અધિકારીકાળ વખતના યશસ્વીસમયમાં બરાબરનો સાર્થક કરનારા તથા કચ્છમાં જિલ્લા સમાહર્તા પદે સમગ્ર જિલ્લાના સુખ-દુખના ખરા સાથી રહી ચૂકેલા મૃદુભાષી, વહીવટી કુનેહના જ્ઞાતા, પ્રજાજનો અને સરકારની વચ્ચે સેતુ રચવાની સફળતાઓ ભુતકાળમાં અનેકવખત પુરવાર કરનારા અને હાલના જિલ્લા ભાજપના પ્રભારી એવા મહેન્દ્ર પટેલ ગત રોજ કચ્છથી રૂબરૂ થયા હતા અને તેઓએ વધુ એક વખત કચ્છની ખમીરી-ખુમારીને બિરદાવી અને વર્તમાન કોરોનાની બિમારી-મહામારીમાથી પણ આખોય જિલ્લો સહિયારા પ્રયાસો સાથે ચોકકસથી બહાર આવશે જ તેવો આશાવાદ શ્રી પટેલે દર્શાવ્યો હતો. તેઓએ કહ્યુ છે કે, આફતને અવસરમાં પલટાવવાની આવડત કચ્છને સુપેરે આવડે છે અને તેના ભુતકાળમાં પણ દાખલાઓ-સાક્ષાત્કાર આપણે જોયેલ છે.જિલ્લામાં કલેકટર રહી ચુકેલા અને હાલ જ કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી નિયુક્ત થયેલા મહેન્દ્રભાઈ પટેલે પણ કચ્છ ઉદય સાથેની વાતમાં સેવા હી સંગઠનની વાત કરી હતી. તેમણે અપીલ કરતા કહ્યું હતું કે, આ કપરી પરિસ્થિતિમાં તમામ લોકો અને સમાજના સંગઠનો સરકાર અને તંત્રને સહયોગ આપે. આપણે આ મહામારી સામે સાથે મળીને લડવાનું છે. સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરીને માસ્ક અચુક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરીએ, કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય તેવા બનતા પ્રયાસ સૌ લોકો જાગૃતિપૂર્વક કરે. સરકાર અને તંત્ર દ્વારા તેમની રીતે પ્રયાસો જારી જ છે. એકાએક આવી પડેલી વિપરીત પરિસ્થિતિમાં પાર્ટી દ્વારા પણ બનતા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. વેક્સિનેશનની કામગીરીમાં લોકો સત્વરે વેક્સિન લે. અન્યોમાં અવેરનેશ ફેલાવે, રસીકરણના કાર્યક્રમોમાં સંગઠનો પણ જોડાય, રસી સરકાર નિઃશુલ્ક આપે છે, સ્ટાફ પણ છે. તો તેના માટેની વ્યવસ્થા જરૂર પડયે રજીસ્ટ્રેશનની ડેટા એન્ટ્રી કરવામાં પણ સમાજના સંગઠનો લોકો સહયોગી બની શકે છે. આ રીતે જ જનજાગૃતિ અને સંગઠનની ભાવના સાથે જ આપણે કામગીરી કરીશું તો ચોક્કસ પરિણામ મળશે.