ભાજપના કાર્પેટ બોમ્બીંગ સામે કોંગ્રેસનો ગેરીલા વોર

નવી દિલ્હી : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માંડ ૧પ દિવસનો સમય બચ્યો છે. ચૂંટણીના રણમેદાનમાં હવે ભાજપ અને કોંગ્રેસ પુરેપુરી તાકાત લગાવવા જઇ રહ્યા છે. કોઇપણ રીતે હરીફ કરતા આગળ નીકળી જવાની હોડ લાગી છે. ભાજપે જે રીતે વડાપ્રધાન, કેબીનેટ પ્રધાનો, મુખ્યમંત્રીઓ સહિત પ૦ ટોચના નેતાઓ થકી ‘કાર્પેટ બોમ્બીંગ‘ની તૈયારી કરી છે તો સામે કોંગ્રેસે પ્રચાર માટે ‘ગેરીલા વોર’ ટેકનીક અપનાવવાનો નિર્ણય લીધો છે.
રાહુલ ગાંધી નવસર્જન યાત્રા હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩-૩ દિવસના ચાર દોરા કરી ચુકયા છે. રાહુલ  પાંચમી વખત આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. રાહુલના ગુજરાત પ્રવાસની ખાસ વાત એ છે કે તેમાં પક્ષના રાષ્ટ્રીય સ્તરના કે કોઇ બીજા રાજયના નેતા નથી હોતા. માત્ર પક્ષના પ્રભારી મહામંત્રી અને રાજયના નેતાઓ જ સાથે હોય છે.
કોંગ્રેસનું માનવુ છે કે રાહુલની ગુજરાતની થોડા-થોડા સમય બાદની મુલાકાત લેવી એ સફળ બની છે. પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ ભરવામાં સફળ રહી છે. રાહુલ કોંગ્રેસના સૌથી ક્રાઉડ પુલર (ભીડ એકઠી કરતા) રાહુલ બાદ કોંગ્રેસ ટ્રેક ટુ રણનીતિ હેઠળ વિસ્તારો અને લોકોની સંખ્યા હિસાબે બીજા નેતાઓને મેદાનમાં ઉતારે છે. ગુજરાતની સીમા મ.પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. રાહુલ જયારે ગુજરાત નથી હોતા તો આ ત્રણેય રાજયોના પક્ષના નેતાઓ તેમના પ્રભાવાવાળા વિસ્તારોમાં રેલીઓ યોજી રહ્યા છે. સચીન પાયલોટ, જયોતિરાદિત્ય સિંધીયા, સંજય નિરૂપમ અને પૃથ્વીરાજ ચવ્હાણની ગુજરાતમાં ડિમાન્ડ છે. પક્ષ આ નેતાઓની રેલીઓને ફેસબુક, યુ-ટયુબ, ટવીટર થકી પ્રચારિત અને પ્રસારિત કરે છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવશે તેમ તેમ પક્ષ પ્રચારમાં તાકાત વધારતી જશે. રાહુલ ગાંધી નોટબંધી અને જીએસટી જેવા મુદા ઉઠાવે છે. કોંગ્રેસે મનમોહન અને ચિદમ્બરમને પણ મોકલ્યા હતા. કોંગ્રેસે હવે મોંઘવારીનો મુદો હાથમાં લેવાનુ નક્કી કર્યુ છે. ટુંક સમયમાં ગુલામનબી, આનંદ શર્મા, મુકુલ વાસનીક, બી.કે.હરિપ્રસાદ વગેરે નેતાઓ પ્રચાર કરતા દેખાશે. કાઉન્ટર ટૈકિટકસ હેઠળ એ ધ્યાન રખાયુ છે કે પીએમ મોદી અને ભાજપના અન્ય નેતાઓની રેલી હોય તેની આસપાસ કોંગી નેતાઓના કાર્યક્રમ પણ રાખવામાં આવે. પ્રયાસ એ રહેશે કે કોંગ્રેસ પણ હાથોહાથ એ વિસ્તારના લોકોની વચ્ચે પહોંચે.
આગામી દિવસોમાં નવજોત સિધ્ધુ અને રાજ બબ્બર પણ આવશે. કોંગ્રેસે કપીલ સિબ્બલ, શિલા દિક્ષિત, સલમાન ખુર્શીદ, અમરીન્દરસિંહ સહિત ર૭ નેતાઓના કાર્યક્રમો, પ્રેસ કોન્ફરન્સ તૈયાર કરી છે. સુરજેવાલા સહિત છ પ્રવકતાઓને ૧૪મી સુધી ગુજરાતમાં રહેવા જણાવાયુ છે. કોંગ્રેસે તમામ નેતાઓને ગુજરાત માટે તૈયાર રહેવા જણાવી દેવાયુ છે. જોવાનુ એ છે કે ભાજપના કાર્પેટ બોમ્બીંગ સામે કોંગ્રેસની ગેરીલા વોરમાં કોણ ભારે પડે છે ?
સામા પક્ષે ભાજપે પણ જોરદાર પ્રચારની રણનીતિ ઘડી છે. પીએમ મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો મન કી બાત ચાઇ કે સાથે શરૂ કરશે અભિયાન. મોદી ર૭મીથી પ્રચાર શરૂ કરશે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ર૭ અને ર૯મીએ ૮ રેલીઓને સંબોધન કરશે. ર૭મીએ ભુજ તે  પછી જસદણ, ધારી અને કામરેજમાં રેલી કરશે. ર૯મીએ પાલીતાણા, નવસારી, મોરબી વગેરેમાં પ્રચાર કરશે. ભાજપના કાર્યકરો ર૬મીએ લગભગ પ૦,૦૦૦ બુથો પર મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમનું આયોજન કરશે. કાર્યક્રમના આયોજન દરમિયાન કાર્યકરો ચાની ચુસ્કી સાથે રાજયના લોકો સાથે રેડીયો પર મન કી બાત સાંભળશે. ભાજપના પ૦ જેટલા કેન્દ્રીય પ્રધાનો ઉમટી પડવાના છે. ભાજપ ર૬મીથી
પુરેપુરી તાકાત સાથે પ્રચાર કાર્ય શરૂ કરશે. તેથી હવે ગુજરાતમાં પ્રચાર વેગવંતો બનશે એ નક્કી છે.