ભય નો વાયરસ કોરોનાવાયરસ કરતા વધુ ઘાતક છે જેથી હકારાત્મક બની ને માત આપી કોરોનાને હરાવીએ: સ્વામી દેવચરણદાસ

વર્તમાન સમયમાં કોરોના વાયરસ શરીરમાં વ્યાપેલી બીમારીમાંથી માનસિક બીમારી વધુ બનતું જાય છે. સૂતા જાગતા નજર સામે બસ એક જ શબ્દ,એક જ વાત આવે છે કોરોના કોરોના અને કોરોના. હવે સમય આવી ગયો છે કે માનસિક રીતે મજબૂત બનીએ અને કોરોના ને ટક્કર આપીએ કારણ  એક ને એક વાત મનમાં ભરીને મરવા કરતાં મન ભરીને જીવીએ તો શું ખોટું. તો ખોટી અફવાઓ અને વાતોથી વિચલિત ન થઈએ અને પોતાનું તેમજ પરિવારનું ધ્યાન રાખીએ. તપોવનધામ- રામપર વેકરા ના સ્વામી દેવચરણદાસ એક સરસ ઉદાહરણ આપે છે કે બે યુવાનો કોરોના વાયરસ ની ઝપેટમાં આવી ગયા બંને માં કોરોના ના લક્ષણો તેમજ સ્થિતી બસ એકસરખી જ હતી અને  એક જ હોસ્પિટલમાં રાખી બંનેને સમાન સારવાર પણ આપવામાં આવી. પરંતુ એક યુવાનનું પાંચ દિવસે નિધન થયું જ્યારે બીજો યુવાન દસ દિવસમાં કોરોનાને મ્હાત આપી ને ઘેર પાછો ફર્યો આવું કેમ ? કારણ છે પહેલા યુવાનના મનમાં વ્યાપેલો ભય અને નકારાત્મકતા નો વાયરસ. અને આ વાયરસ કોરોના વાયરસ થી પણ વધુ ઘાતક છે. આપણે જેટલા હકારાત્મક રહેશું તેટલી જ દવા પણ વધુ આપણા ઉપર અસર કરશે. તો બસ હસતા રહીએ આનંદિત રહીએ. ભય મુક્ત બનીએ પણ બેદરકાર નહીં કોરોના જેવા લક્ષણો જણાય તો સમયસર દવા લઈએ કારણકે વધુ સમય લેવાથી  આપણે આપણા પરિવાર માટે પણ જોખમી બનીએ છીએ. અણધારી ઉપાધી આવી છે ત્યારે તંત્ર ખૂબ મહેનત કરી રહ્યું છે. મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ ભગવાનનું સ્વરૂપ બની લોકોની માવજત કરી રહ્યું છે ત્યારે આપણે પણ તેમને સહકાર આપી તેમનો જુસ્સો વધારીએ અને આ અણધારી આવી પહોંચેલી ઉપાધી માંથી બહાર આવવા તરફ પ્રયાણ કરીએ. એક બીજાને ઉપયોગી થઈએ આપણી સંસ્કૃતિ પણ આપણને કાયર નહીં પણ શૂરવીર બનાવે છે. તો માનસિક રીતે સ્વસ્થ બનશું તો જ આ કોરોના તેમજ ભય નો વાયરસ વિલય પામશે.પરિવારમાં કોઈને કોરોના થાય તો તેમની સાથે પારકા જેવો વ્યવહાર ન કરીએ. તેમને હૂંફ અને પ્રેમ આપીને તેની સાથે આત્મીયતા કેળવીએ પછી જુઓ કેટલી ઝડપથી તેઓ સાજા થઇ જાય છે. બસ જરૂરી ગાઈડલાઈન નું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ રાખીએ પણ આત્મીયતા તો જાળવી જ રાખીએ.