ભદ્રેશ્વર ડેમની કેનાલનું કામ નબળુ થતું હોવાની બૂમ

કામ પુરૂં પણ નથી થયું ત્યાં દેખાઈ તિરાડો

મુંદરા : જિલ્લા પંચાયતની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી ભદ્રેશ્વર ડેમની કેનાલનું મંજુર થયેલું રિપેરીંગ કામ હજુ પૂર્ણ પણ થયું નથી. ત્યાં જ તિરાડો પડવા લાગી છે. કામની ગુણવત્તા બહુ જ નબળી હોવાના તેમજ રીપેરીંગ કામમાં લોલમલોલ થઈ રહ્યું હોવાના આક્ષેપ ઉઠ્યા છે.
સિંચાઈ ખાતાના કોઈ પણ ઈજનેર કે અધિકારી ચેકીંગ કરવા માટે પણ આવ્યા નથી અને કોન્ટ્રાકટરે મન ફાવે તેમ કામ કર્યા હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. ખેડૂતો કહે છે કે આ નબળા કામથી બહુ મોટી નુકશાની થશે તેમજ પાણી વેડફાઈ જશે તેવું લાગે છે. સરકારી ગ્રાન્ટનો ખોટો વેડફાટ ન થાય તેની જવાબદારી કોની ?
આથી અગાઉ ર૦૦૧ના ધરતીકંપ પછી થયેલા કામની પણ કોઈ ક્વોલિટી ન હોવાના કારણે કેનાલ એક વર્ષમાં તૂટી ગઈ હતી. જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી આ કેનાલનું જયારે પણ કામ થાય છે ત્યારે કામ નબળું જોવા મળે છે. હજૂ તો કામ ચાલુ છે તે દરમ્યાન કેનાલના કોઈ નિષ્ણાત દ્વારા ગાઈડ લાઈન આપીને તેમજ ગામના જાણકાર ખેડૂતોને સાથે રાખી, ગ્રામ સમિતિ બનાવીને તે કામ કરવામાં આવે તો ભવિષ્યમાં કેનાલનું કામ ટકી રહે તેમજ સરકારના નાણાનો પણ સદઉયોગ થાય તેવું જાણકારો જણાવી રહ્યા છે.