ભદ્રેશ્વરના શખ્સે પોતાની ઓળખ છુપાવી યુવતી સાથે કર્યા લગ્ન

મુસ્લિમ હોવા છતાં હિન્દુ હોવાનું જણાવી લગ્ન કરી દહેજની માંગણી કરી અપાયો ત્રાસ : મૂળ નેપાળની જ અને બિહાર રહેતી યુવતીને છૂટાછેડા આપી આચરાયો ગુનો

ભુજ : તાલુકાના ભદ્રેશ્વરમાં રહેતા શખ્સે પોતાની ઓળખ છુપાવીને યુવતી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરાતી હતી. મહિલાને છૂટાછેડા આપીને ત્રાસ અપાતા પતિ સહિત પાંચ શખ્સો સામે મુન્દ્રા મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ અર્ચના રૂપાશ્રી-પિતા સુમન રામનારાયણ જયસ્વાલ નામની મહિલાએ આરોપી ઈનાયત અલી ખોજા, આશિફ ઈનાયત અલી ખોજા, આશિફની માતા હસીનાબેન ખોજા (રહે. ત્રણેય ભદ્રેશ્વર, તાલુકો મુન્દ્રા) તેમજ આશિફની બહેન હમીદા અને તેના મામા સહરૂદ્દીન નાથાણી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી આશિફે પોતાની સાચી ઓળખ છુપાવીને પોતે હિન્દુ હોવાનું જણાવી યુવતીને નેપાળથી ભદ્રેશ્વર લાવ્યો હતો અને તેની સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કરીને પતિ તેમજ સાસરિયાઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાયો હતો. તેમજ છૂટાછેડાના લખાણ ઉપર સહી કરાવીને દહેજની માંગણી કરવામાં આવી હતી. બનાવને પગલે મુન્દ્રા મરીન પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ જી.વી.વાણિયાએ આગળની તપાસ હાથ ધરી છે.