ભચાઉ સુધરાઈની ખાલી પડેલી નગરસેવકની બેઠક પર ઓક્ટોબર માસમાં ચૂંટણી યોજાશે

ભચાઉ : ચૂંટણી પંચ દ્વારા રાજ્યની પાલિકા અને મહાનગરપાલિકાની ખાલી પડેલી જગ્યાઓ પર ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં ભચાઉ સુધરાઈની ખાલી પડેલી નગરસેવકની બેઠક પર ચૂંટણી ઓક્ટોબર માસમાં યોજાશે. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે. જેમાં ભચાઉની વોર્ડ નંબર 2ની ખાલી પડેલી બેઠક પર તારીખ 3 ઓક્ટોબરના ચૂંટણી યોજાશે. ભચાઉના વોર્ડ નંબર 2ના નગરસેવક વનરાજસિંહ ઝાલાનું નિધન થતા બેઠક ખાલી રહી હતી. ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા સાથે નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. જેમાં ભચાઉની ખાલી પડેલી નગરસેવકની બેઠક પર પણ ચૂટણી યોજાશે. ઉમેદવારો તારીખ 18 સપ્ટેમ્બર સુધી પત્ર ભરી શકશે. તેમજ 20મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે બીજા દિવસે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. ત્યાર બાદ ત્રીજી ઓક્ટોબરે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. તેમજ 5મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. અને 8 ઓક્ટોબર સુધી તમામ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે તેવું ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટની યાદીમાં જણાવાયું હતું.