ભચાઉ-રાપર નગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસની સમીક્ષા બેઠક મળી

સ્વચ્છ પ્રતિભા તેમજ જીતના સક્ષમ દાવેદારોને ટિકિટ ફાળવવા વ્યકત કરાયો મત

ભચાઉ : વાગડ વિસ્તારની રાપર-ભચાઉ નગરપાલિકાની ચૂંટણી આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી હોઈ રાજકિય પક્ષોમાં અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ આરંભાઈ ગયો છે. રાપર વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ભવ્ય જીત થયા બાદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે ઉજળા સંકેતો જોવા મળી રહ્યા હોઈ આજરોજ ભચાઉ ખાતે કોંગ્રેસની સમીક્ષા બેઠક મળી હતી.
ભચાઉ સર્કિટ હાઉસ માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીના અધ્યક્ષ સ્થાને આજરોજ સમીક્ષા બેઠક મળી હતી. જેમાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર ભચાઉ-રાપર નગરપાલિકાની ચૂંટણી અંગેની મહત્વ પૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાપર વિધાનસભા બેઠક કોંગ્રેસ કબ્જે કર્યા બાદ કોંગ્રેસી છાવણીમાં ઉત્સાહ વધ્યો છે. જોકે ભાજપે સમીક્ષા કરી લીધા બાદ મોડે મોડે જાગેલ કોંગ્રેસે સમીક્ષા યોજતા પાલિકા ચૂંટણી જીતવા કોંગ્રેસ કેવી તૈયારી કરી રહ્યું છે તેવો આંતરીક ગણગણાટ પણ સર્જાયો હતો. જોકે સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને જીત માટે સક્ષમ દાવેદારોને ટિકિટ ફાળવવા સૂર વ્યકત કરાયો હતો.આ બેઠકમાં જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા વી.કે. હુંબલ, ભરત ઠક્કર, બળવંતસિંહ જાડેજા, અશોકસિંહ ઝાલા, અભય હાલાણી, બટુકસિંહ જાડેજા, શરીફ નોતિયાર, ભરતદાન ગઢવી, રામજી રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.