ભચાઉ : ડ્રાઈવર વીનાના બેકાબૂ બનેલા ડમ્પરે ૪ વાહનો કચડ્યા

ભચાઉ : ભચાઉમાં ડ્રાઈવર વિનાનું ડમ્પર બેકાબૂ બનીને રોડ પર દોડતા ચાર વાહનોને હડફેટમાં લઈને તેનું કચ્ચરગાણ કરી નાખ્યુ હતુ. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે, ઈજા થઈ ન હતી. સમી સાંજે ભચાઉમાં આ અકસ્માત સર્જાતાં લોકોના જીવ તાળવે ચોટ્યા હતા.
દુધઈ રેલવે ક્રોસીંગથી ભચાઉ કસ્ટમ ચાર રસ્તા વચ્ચેના માર્ગ પર હોટેલ શિવ ઈન્ટરનેશનલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમા ઓવરલોડ મીઠુ ભરેલા ડમ્પરનો ડ્રાઈવર પોતાનું વાહન રોડ પર પાર્ક કરી નીચે ઉતર્યો હતો. તે દરમિયાન ડમ્પર અચાનક આગળ ચાલવા માંડતા લોકોમાં કૂતુહલ અને ગભરાટ ફેલાયાં હતા. ડ્રાઈવરેલેસ અને બેકાબૂ ડમ્પરે રસ્તામાં ટાયરની પેઢી સહિત ત્યા ઉભેલી બોલેરો જીપ, બાઈક, સ્કુટર અને ટ્રેક્ટરની ટ્રૉલીને હડફેટે લીધા હતા. અચાનક ડ્રાઈવર વિના દોડતા ડમ્પરને જોઈ લોકોમાં જીવ બચાવવા નાશભાગ મચી હતી. પરંતુ ડમ્પરે ૪ વાહનોને ટક્કર મારતા તમામ વાહનો ચગદાઈને એકબીજા પર ચડી ગયા હતા. અને આ વિચિત્ર અકસ્માત ભચાઉ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.