ભચાઉમાં વધુ એક ચોરીની મોટી ઘટનાને અંજામ

જલારામ સોસાયટીની બાજુમાં રહેતા હનુમાન મંદિરના પુજારીના ઘરમાંથી તસ્કરી

ભચાઉ ઃ શહેરની મેઈન બજારમાં આવેલ જલારામ સોસાયટીની બાજુમાં રહેતા હનુમાન મંદિરના પૂજારીના ઘરમાંથી મોટી ચોરીની ઘટનાને અંજામ અપાતા ચકચાર મચી ગઈ છે. સુત્રો મારફતે મળેલી વિગતો મુજબ અંદાજે દસેક લાખના મુદ્દામાલનું ખાતર પાડવામાં આવ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. જાે કે, બનાવને પગલે આ લખાય છે ત્યાં સુધી ભચાઉ પોલીસ મથકે કોઈ જ નોંધ થવા પામી નથી. પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉની મેઈન બજારમાં આવેલી જલારામ સોસાયટીની બાજુમાં રહેતા ધવલભાઈ સાધુના પરિવારના ઘરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. હનુમાન મંદિરમાં પૂજા કરતા આ પરિવારના ઘરમાંથી મોટી ચોરીને અંજામ અપાયો હોવાનું સામે આવ્યું છે. સુત્રોનું માનીએ તો ભોગગ્રસ્તના ઘરમાંથી રોકડ રકમ તેમજ દર દાગીના મળીને અંદાજે દસેક લાખનો હાથ સફાયો કરાયો હોવાનું સામે આવવા પામી રહ્યું છે. જાે કે, બનાવ અંગે ભચાઉ પોલીસ મથકે પુછતાછ કરતા આ લખાય છે ત્યાં સુધી પોલીસ ચોપડો કોરો રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ભચાઉના નારાણસરીમાં તાજેતરમાં જ લાખોની લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો. ભોગગ્રસ્ત પરિવારના બાળકને બંધક બનાવીને લૂંટ ચલાવાઈ હતી. આ ઘટનાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ભચાઉ શહેરમાં વધુ એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવતા વાગડ પંથકમાં ચકચાર મચી ગઈ છે. ચોરી, લૂંટના બનાવો પર અંકુશ લાવવા માટે તેમજ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી લોકમાંગ ઉઠી રહી છે.