ભચાઉમાં લગ્ન પ્રસંગે થયેલા ભડાકા સમ્યા નથી ત્યાં રાપરના સુવઈમાં યોજાયેલા લગ્નમાં ફાયરિંગ

લગ્ન પ્રસંગે હવામાં ઉપરા-ઉપરી કરાયેલા ફાયરિંગનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસે હાથ ધરી તપાસ

રાપર : ભચાઉમાં લગ્ન પ્રસંગે કરાયેલા બંદૂકના ભડાકાઓનો પડઘો હજુ સમ્યો નથી, ત્યાં રાપરમાં લગ્ન પ્રસંગે કરાયેલા ફાયરિંગની ઘટનાથી વાગડ વિસ્તારમાં ફરી ચકચાર મચી છે. કચ્છમાં છેલ્લા થોડા સમયથી ગન કલ્ચર ખુબ વધ્યુ છે. કાયદેસર રીતે હથિયારો રાખવા તેમજ ગેરકાયદેસર રીતે હથિયારો રાખીને લોકો રોફ જમાવતા થયા છે. પરિણામે અવાર નવાર કાયદો વ્યવસ્થા જોખમમાં મુકાય છે. હાલ જ્યારે કોરોના મહામારી વચ્ચે લગ્નમાં નિયમો થોડા હળવા કરાયા છે. ત્યારે લગ્નમાં મોટી સંખ્યામા હાજરી સાથે ફાયરીંગની ઘટનાઓ પણ બની રહી છે. ગઇકાલે જ હજુ ભચાઉમાં લગ્ન પ્રસંગે હવામાં 8 રાઉન્ડ ફાયરિંગ કરાયાનો વિડિયો વાયરલ થયા બાદ 3 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. ભચાઉના ભડાકા હજુ સમ્યા નથી, ત્યાં લગ્ન પ્રસંગમાં થયેલા ફાયરીંગની બીજી ઘટના સામે આવી છે. રાપર તાલુકાના સુવઇ ગામનો વિડિયો વાયરલ થયો હોવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. પોલસે પણ આ મામલે તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુવઇ ગામે ગઇકાલે યોજાયેલા લગ્ન પ્રસંગના બે વિડીયો વાયરલ થયા હતા. તેમા પણ ઉપરા-ઉપરી હવામા ફાયરીંગ કરીને વટ પાડતા શખ્સો નઝરે પડી રહ્યા છે. આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ ક્ષત્રિય સમાજમાં આયોજીત લગ્નમાં આ ફાયરીંગ થયુ હોવાનુ મનાય છે. પરંતુ પોલીસ વધુ તપાસ કરે ત્યાર બાદ ફાયરીંગ કરનાર કોણ છે, તે સામે આવી શકે તેમ છે.