ભચાઉમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ધડાધડ હવામાં કરાયુ ફાયરીંગ

ફાયરીંગ કરાયાના જુદા-જુદા 3 વીડિયો વાયરલ કરાતા મચી ચકચાર : એક વીડિયોમાં બુલેટ પર સવાર શખ્સે 3 જ સેકન્ડમાં હવામાં 6 રાઉન્ડ ફાયરીંગ કર્યું : લગ્ન પ્રસંગે ફાયરીંગના વીડિયો વાયરલ થતા પોલીસે આદરી તપાસ

ભચાઉ : કચ્છમાં બે દિવસ પહેલા યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં થયેલા ફાયરીંગના 3 જુદા-જુદા વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો ભચાઉનો હોવાની પણ પુષ્ટી થઈ છે. વીડિયો પોલીસ સુધી પહોચતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં યોજાયેલા કોઈ લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરીંગ કરાયુ હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા જુદા-જુદા 3 વીડિયોમાંથી એકમાં બુલેટ પર સવાર એક શખ્સ હવામાં ધડાધડ છ રાઉન્ડ ફાયર કરતો નજરે પડી રહ્યો છે. તો અન્ય બે વીડિયોમાં અલગ-અલગ બે યુવકો એક-એક રાઉન્ડ ફાયરીંગ કરતા નજરે પડી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં ફાયરીંગના વીડિયો વાઈરલ થતા કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, તે ભચાઉ તાલુકાના સીતારામપુરનો હોવાની ચર્ચા છે. અહીં બે દિવસ પહેલા યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરીંગની આ ઘટના બની હોવાની ચર્ચા થઈ રહી છે. વાઈરલ વીડિયોમાં લગ્ન પ્રસંગ સમયે કેટલાક શખ્સો બુલેટ પર એન્ટ્રી કરતા નજરે પડી રહ્યા છે. જેમાનો એક વ્યકિત પિસ્તોલ જેવા હથિયારથી માત્ર ત્રણ જ સેકન્ડમાં હવામા ધડાધડ છ રાઉન્ડ ફાયર કરતો જોવા મળી રહ્યો છે. લગ્ન પ્રસંગના આ વીડિયોમાં કોરોના ગાઈડલાઈન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળે છે. સામાન્ય માણસને પોતાના ઘેર લગ્ન યોજવા હોય તો પણ સંખ્યા બાબતે ચિંતા કરવી પડે છે. જ્યારે ભચાઉમા તો જાણે કાયદો-વ્યવસ્થાને જાણે પડકાર ફેકાતો હોય તેવા વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

વાયરલ વીડિયોની તપાસ કરી કાર્યવાહીની અપાઈ સૂચના : ભચાઉ ડીવાયએસપી

ભચાઉ : લગ્ન પ્રંસગે વાયરલ થયેલા વીડિયો અંગે ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કિશોરસિંહ ઝાલાનો સંપર્ક કરતા તેમણે કહ્યુ હતુ કે, ઘટના બની હોવાનું ધ્યાને આવ્યુ છે. જેને પગલે સ્થાનિક પોલીસને તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. તો ભચાઉના નવ નિયુક્ત પી.આઈ જી.એલ ચૌધરી સાથે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, વાયરલ થયેલા વીડિયો ભચાઉના જ છે. અને જે રીતે લગ્ન ફાયરીંગ કરવામાં આવ્યુ છે. તે જોતા પોલીસ દ્વારા વીડિયોમાં દેખતા વ્યક્તિઓની ઓળખ કરીને, યોગ્ય રીતે વેરિફિકેશન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.