ભચાઉમાં બીજા દિવસે પણ લોકડાઉનથી બજારો બંધ

વેપારીઓએ બંધનો અમલ કર્યો

ભચાઉ : કચ્છમાં કોરોનાના કેસમાં ઉછાળા બાદ તથા ભચાઉમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા લોકડાઉન જાહેર કરાયું છે. જેને નગરજનો તથા ધંધાર્થીઓએ ટેકો આપ્યો હતો. ભચાઉ નગરપાલિકા તથા વેપારી મંડળ દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી ભચાઉમાં લોકડાઉનના બીજા દિવસે શાકભાજી, હાથ લારી, પાનના ગલ્લા, બજાર સમિતિ તથા જથ્થાબંધ-છૂટક વેપારીઓએ બંધ પાળ્યો હતો. જેના કારણે શહેરમાં સૂનકાર ફેલાયો હતો. ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કલાવંતીબેન જોષી, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ જાડેજા, વેપારી મંડળના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કરની અપીલને વેપારી આલમે સંપૂર્ણ ટેકો આપી તમામ વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર ભગીરથસિંહ ઝાલા, આરોગ્ય અધિકારી એ.કે.સિંઘ, પોલીસ સ્ટાફે શહેરીજનોને ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી હતી. ઉપરાંત મેઘદૂતના ખીમજીભાઈએ આ ખરાબ સમયમાં સહયોગ આપવાની તૈયારી બતાવી હતી.