ભચાઉમાં તરૂણનો અકળ આપઘાત

ધો. ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના આત્મઘાતી પગલાથી પરિવારજનો શોકમાંઃ પોલીસે આદરી તપાસ

 

ભચાઉ : શહેરમાં આવેલ સર્વોદય સોસાયટીમાં તરૂણે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આત્મઘાતનો બનાવ રાત્રીના ૧રઃ૩૦થી ૩ઃ૦૦ દરમ્યાન બનવા પામ્યો હતો. સર્વોદય સોસાયટીમાં રહેતા પરેશભાઈ રમેશભાઈ ચાવડા (ઉ.વ.૧૭) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે લોખંડના પાઈપમાં રસ્સી બાંધી ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો હતો. તેના પિતા રમેશ ચાવડાએ હતભાગીના મૃતદેહને ભચાઉ સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ભચાઉ
પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી હતી. આ બાબતે તપાસનીશ હેડ કોન્સટેબલ બાબુભાઈ મ્યાત્રાનો સંપર્ક સાધતા પરેશ ધો.૧૧માં અભ્યાસ કરે છે અને કેવા કારણે આત્મહત્યા કરી લીધેલ છે તે હજુ સુધી સ્પષ્ટ થયેલ નથી. હતભાગીના આત્મઘાતી પગલાના બનાવથી પરિવારજનો તથા મિત્ર વર્તુળમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.