ભચાઉમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું એસઆરપી ગ્રાઉન્ડમાં કરાયું રિહર્સલ

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આઝાદી પર્વર્ની કરાશે ભવ્ય ઉજવણી : ભચાઉના વિકાસ માટે રપ લાખની ગ્રાન્ટનો ચેક અપાશે

 

ભચાઉ : કચ્છમાં ૧૫મી ઓગષ્ટે દેશના ૭૨મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની રંગારંગ ઉજવણી સાથે ભચાઉમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરાશે ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં એસ.આર.પી. ગ્રુપ-૧૬ના મેદાનમાં ગ્રાઉન્ડ રીહર્સલ સાથે આખરી તબકકાની તમામ તૈયારીઓની સમીક્ષા કરાઇ હતી.
જિલ્લા કલેકટરે વહીવટીતંત્ર તથા પોલીસ અધિકારીઓની
ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી પોલીસ સહિતની પ્લાટુનોનું નિરીક્ષણ કર્યું હતું.
ભચાઉની વિવિધ શાળાના બાળકો દ્વારા યોગ, હઠીલો રાસ, દેશભક્તિ સમૂહ નૃત્ય, પિરામીડ સહિતની કરાનારી પ્રસ્તુતિ તેમજ પરેડ સહિત સમગ્ર કાર્યક્રમોની તૈયારીઓનું નિરીક્ષણ કરી જરૂરી નિર્દેશો આપ્યા હતા.
આ પ્રસંગે ડીડીઓ પ્રભવ જોેષી, અધિક કલેકટર એમ.કે. જોષી, પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ, અંજાર પ્રાંત અધિકારી વી.એન. રબારી, અંજાર ડીવાયએસપી રાકેશ દેસાઇ, પ્રોબેશનરી નાયબ કલેકટર સિધ્ધાર્થ ગઢવી, એસ.આર.પી.ના અધિકારીઓ, માર્ગ-મકાન વિભાગના એ.ઓ. શાહ, ડીપીઇઓ સંજય પરમાર, ભચાઉ પાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોેધપુરા, મામલતદાર શ્રી વાછાણી, ના.મા. કાપડીદાદા સહિત શિક્ષકો, કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું.
વહીવટી તંત્ર દ્વારા અપાયેલા વિગતવાર કાર્યક્રમ અનુસાર સવારે ૯ કલાકે ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ તેમજ મંત્રીનું ઉદ્દબોધન બાદમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું અભિવાદન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને ભચાઉ તાલુકાના વિકાસ માટે કલેકટરને રૂા.૨૫ લાખની ગ્રાંટનો ચેક અર્પણ કરાશે. ત્યારબાદ મંત્રીના હસ્તે આઇટીઆઇ ભચાઉનું તકતી અનાવરણ દ્વારા ઉદ્દઘાટન તેમજ સારી કામગીરી અને વિવિધક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનારાઓનું મોમેન્ટો, પ્રમાણપત્ર આપી સન્માન કરાશે.