ભચાઉમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં પ્રભારીમંત્રી કરશે ધ્વજવંદન

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યકિતઓનું કરાશે સન્માન : ભુજ ખાતે કલેકટરના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં સ્વાતંત્ર્ય પર્વની વિશિષ્ટ ઉજવણી માટે ઘડાયું આયોજન

ભુજ : કચ્છમાં ૧૫મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી ભચાઉ ખાતે કરાશે. કચ્છના પ્રભારીમંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તેે ધ્વજવંદન સાથે થનારી આ ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ રાષ્ટ્રીય પર્વની વિશિષ્ટ ઉજવણી માટેનું આયોજન ઘડી કઢાયું હતું.
આ બેઠકમાં અપાયેલી વિગતો અનુસાર ભચાઉ ખાતે એસઆરપી ગ્રુપ-૧૬ મેદાનમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ફલેગમાર્ચ, પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો, આયુર્વેદીક વનમાં તેમજ ભચાઉ ખાતે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવાનો નિર્દેશ અપાયો હતો. વિવિધ ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરનાર કે યોગદાન આપી રાજય કે રાષ્ટ્રીય કક્ષાએ કચ્છને ગૌરવ અપાવ્યું હોય તેવી વ્યકિતઓનું સન્માન કરવા માટે ૭મી ઓગષ્ટ સુધીમાં કલકેટર કચેરીની જનરલ શાખાને વિગતો મોકલી આપવા જણાવાયું હતું. તેમણે સંબંધિત વિભાગોને પણ આ અંગેની વિગતો સવેળા મોકલી આપવા કહ્યુંં હતું.
ઇન્ચાર્જ અધિક કલેકટર મેહુલ જોેષીએ જિલ્લા કક્ષાની ઉજવણીને ધ્યાને લઇ શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા સાથે સરકારી કચેરીઓને રોશનીથી શણગારવા અને લોકોમાં ઉત્સાહનો માહોલ સર્જાય તે પ્રકારે
સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રભાતફેરી, ફલેગમાર્ચ, સરકારી કચેરીઓની તપાસણી, સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન, વૃક્ષારોપણ, બેઠક વ્યવસ્થા, વિવિધ પ્લાટુનો દ્વારા માર્ચપાસ્ટ, બેન્ડ-વાજાની ધુન સહિતના નિર્દેશો આપ્યા હતા.
આ બેઠકમાં અંજાર પ્રાંત અધિકારી વી.એન.રબારી, ભુજ ડીવાયએસપી જે.કે. જેસ્વાલ, ભચાઉ ડીવાયએસપી રાકેશ દેસાઇ સહિત જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ, ડીપીઇઓ સંજય પરમાર, પંકજભાઈ ઝાલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.