ભચાઉમાં કોરોનાના કેસો વધતા ફફડાટ

સરકારી ગાઈડલાઈનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન : આરોગ્ય, નગરપાલિકા, પોલીસ સહિતના તંત્રો સદંતર નિષ્ફળ

ભચાઉ : વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. કચ્છ પણ બાકાત રહ્યું ન હોઈ અહીં પણ સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. વાગડ પંથકના ભચાઉમાં કોવિડ-૧૯ના કેસો વધી રહ્યા હોઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.આ અંગેની વિગતો મુજબ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની હોઈ મુંબઈગરા કચ્છી માદરે વતન આવી રહ્યા છે. ભચાઉ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ગાઈડલાઈનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોઈ પોઝિટીવ કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. ભચાઉ શાકમાર્કેટમાં સાંજના સમયે સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડતા નજરે પડે છે. વાસી તેમજ અખાદ્ય વસ્તુઓનું પણ બેરોકટોક વેચાણથઈ રહ્યું હોઈ કોરોનાના કહેર વચ્ચે અન્ય રોગચાળો ફાટવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ રહી છે. ન માત્ર આરોગ્ય પરંતુ નગરપાલિકા તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં હોઈ પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે.
કડક અધિકારીની છાપ ધરાવતા ભગીરથસિંહ રાણા મામલતદાર તરીકે કાર્યરત છે ત્યારે તેઓ નીતિ-નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવે તેવી માંગ ઉઠી રહી છે.