ભચાઉમાં કારકૂનના બંધ મકાનમાંથી ૧.૮૯ લાખની તસ્કરી

ભચાઉ : શહેરના વિનાયકનગર નવી ભચાઉમાં રહેતા કારકૂનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૧.૮૯ લાખના દાગીના ચોરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ત્રિપાલસિંહ અજયસિંહ પરમાર (રહે. મૂળ ચાચાપર, તા.જિ. મોરબી) (હાલે વિનાયકનગર, નવી ભચાઉ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે તેઓ ભચાઉ ખાતે મહિલા કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. ગત તા.ર૯-પ-૧૮ના પોતાની પત્ની પિયરે ગોંડલ ગઈ હતી. જ્યારે ૩૦-પ-૧૮ના તેઓ પોતાના વતન મોરબી ગયા હતા ત્યારે બંધ મકાનને નિશાન બનાવી કોઈ ચોર શખ્સોએ દરવાજાના નકૂચા લોખંડના ઓજાર વડે તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના લોક તોડી તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના કિંમત રૂા.૧.૮૯ લાખની ચોરી કરી જતા ભચાઉ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઈ આર.જે. સિસોદિયાએ તપાસ હાથ ધરી હતી. કારકૂનના બંધ મકાનમાંથી લાખોની ચોરી થતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.