ભચાઉમાં કંપનીનો સુપરવાઈઝર લૂંટાયો

જય માતાજી ચોકમાં બનેલ લૂંટના બનાવથી પોલીસની દોડધામ : રિક્ષા ચાલક સહિત બે શખ્સોએ બનાવને આપ્યો અંજામ : લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસની કવાયત

ભચાઉ : તાલુકાના ચોપડવા ગામે આવેલ કંપનીના સુપરવાઈઝરને ભચાઉના જય માતાજી ચોકમાં રિક્ષા ચાલક સહિત બે શખ્સો રોકડ તથા દાગીનાની લૂંટ ચલાવી નાસી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ આલોકકુમાર લકસીધર નાયક (ઉ.વ.ર૪) (રહે. મુળ ઓરીસ્સા હાલે ચોપડવા તા. ભચાઉ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ ચોપડવા ખાતે આવેલ વિશાલ પ્લાયવુડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે બપોરના બે વાગ્યે તેઓ પોતાના મિત્રને મુકવા રેલવે સ્ટેશન આવેલ અને રેલ્વે સ્ટેશનથી અતુલ રિક્ષા ભાડે કરીને ભચાઉ જૂના બસ સ્ટેશન આવતા હતા ત્યારે ભચાઉમાં આવેલ જય માતાજી ચોકમાં રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી દઈ તેઓના શર્ટનો કોલર પકડી લીધેલ અને તેઓના હાથમાં રહેલ પાકીટ જુટવી લઈ તેમાં રહેલા રોકડા રૂપિયા ૧ર,ર૦૦/- કાઢી લીધા હતા. જ્યારે રીક્ષાની પાછળની સીટમાં બેઠેલા શખ્સે તેઓના હાથમાં પહેરેલ ચાંદીની લક્કી કિંમત રૂ. ર૦૦૦/- ખેચી લઈ બન્ને આરોપીઓએ એક બીજાની મદદથી તેઓ પાસેથી ૧૪,ર૦૦/-ની લૂંટ ચલાવી નાસી ગયા હતા. ભચાઉ પોલીસે આરોપીઓ સામે લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે હેડ કોન્સ. ઈન્દ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી. આ બાબતે તપાસનીશનો સંપર્ક સાધતા લૂંટનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતાઓ વ્યકત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સવારે શહેરના વર્ધમાનનગર જૈન સોસાયટીમાં રહેતા જૈન વૃદ્ધાના ગળામાંથી ચેઈનની ચીલઝડપ થઈ હતી
અને બપોરના લૂંટનો બનાવ બનતા આ રીક્ષા ચાલક તથા તેની સાથેના અન્ય શખ્સને પકડી પાડી પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ થાય તો ચીલઝડપના બનાવ ઉપરથી પણ પડદો ઉંચકાઈ શકે તેવી ચર્ચાઓ શહેરીજનોમાં વહેતી થવા પામી છે.