ભચાઉમાં ઈલેક્ટ્રોથર્મ કંપનીના ઓક્સિજન પ્લાન્ટની પ્રભારી સચિવે મુલાકાત લીધી

કંપની દ્વારા દરરોજ ૧૧૦૦ જેટલા સિલીન્ડર ભરી અપાય છે : જરૂરી સૂચનો પણ અપાયા

ભચાઉ : કચ્છમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે. દર્દીઓની હાલત ઝડપથી ગંભીર બની રહી છે જેથી તાકીદના ધોરણે ઓક્સિજન આપવું પડે છે. વાગડથી લઈ લખપત સુધી કચ્છમાં ઓક્સિજનની બુમરાડ છે ત્યારે ભચાઉમાં આવેલી ઈલેક્ટ્રોથર્મ કંપની દ્વારા નિઃશુલ્ક ઓક્સિજન ભરી આપવામાં આવે છે. જે કચ્છના દર્દીઓને મદદરૂપ નીવડે છે.જિલ્લાના પ્રભારી આરોગ્ય સચિવ જે.પી. ગુપ્તાએ ગઈકાલે ભચાઉમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી ઈલેક્ટ્રોથર્મ કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલીક શૈલેશભાઈ ભંડારી, મેનેજર જયવીરસિંહ જાડેજા, આશીષદાન ગઢવી સહિતના નેતૃત્વમાં હોસ્પિટલોમાં અને દર્દીઓને ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. દરરોજ ૧૧૦૦ થી વધુ સીલીન્ડર કંપની દ્વારા ભરી આપવામાં આવે છે. પ્રભારી સચિવે કંપનીની આ કામગીરીને વખાડી હતી. તેમજ જરૂરી માર્ગદર્શન અને સુચનો આપ્યા હતા. ઓક્સિજન પ્લાન્ટ કઈ રીતે કામ કરે છે. કંપની દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે. તેની સમીક્ષા કરી હતી. આ વેળાએ ભચાઉ પ્રાંત અધિકારી જાડેજા, મામલતદાર ભગીરથસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા.