ભચાઉમાંં કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવનો કર્યો વિરોધ

ભચાઉ : પેટ્રોલ ડિઝલ તેમજ રાંધણ ગેસના વધતા જતા ભાવને પગલે ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પક્ષના શહેર પ્રમુખ અભય ઠક્કરના નેતૃત્વમાં કોંગી કાર્યકરોએ ભચાઉ મામલતદારને આવેદનપત્ર પાઠવીને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દર પ્રધાનને રજૂઆત કરી હતી. કેન્દ્રમાં ભાજપના સરકાર આવ્યા બાદ પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ૨૦૧૪ પહેલા કોંગ્રેસની યુપીએ સરકાર વખતે ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ દીઠ ૧૧૦ ડોલર હતા. ત્યારે ડિઝલના ભાવ ૬૦ અને પેટ્રોલના ભાવ ૭૦ રૂપિયા પ્રતિ લિટર હતા. હાલ ઈન્ટર નેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ નીચા છે. પ્રતિ બેરલ દીઠ ૬૮ ડોલર ક્રુડ ઓઈલનો ભાવ છે. તેમ છતા પેટ્રોલના ભાવ ૭૫ અને ડિઝલના ભાવ ૬૮ કરી દેવાયા છે. જ્યારે રાધણ ગેસના ભાવ ૭૫૦ કરી દેવાયા છે. ઈન્ટર નેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા હોવા છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચાડીને ભાજપની સરકારે જનતા સાથે કિન્નાખોરી કરી હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા. આ સાથે જ તાત્કાલિક ધોરણે પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવામા આવે તેવી માંગ કરાઈ છે.