ભચાઉની સગીરાને પેટનો દુઃખાવો થતા તપાસમાં ગર્ભવતી નિકળી

બનાવને પગલે ભચાઉ પોલીસ મથકે નોંધ કરાતા હાથ ધરાઈ તપાસ : ભોગગ્રસ્ત સગીરાને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ

ભચાઉ : અહીંના નવાવાસમાં રહેતી સગીર કન્યાના પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે ખસેડાઈ હતી. જેમાં તેને નવમાસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવારજનો પણ ચોકી ગયા હતા અને બનાવને પગલે ભચાઉ પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવામાં આવી હતી. જેને પગલે પોલીસ દ્વારા તપાસ આરંભાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મુળ મુંબઈના શાંતાક્રુઝ ઈસ્ટમાં રહેતા અને હાલ માદરે વતનમાં આવેલા પરિવાર સાથે આ ચોકાવનારો બનાવ બન્યો હતો. ભોગગ્રસ્ત સગીરાના પિતાએ આપેલી પોલીસ કેફીયતમાં જણાવ્યું હતું કે, તેની ૧૬ વર્ષ અને ચાર મહિનાની સગીર દીકરીને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે પ્રથમ સરકારી દવાખાને લઈ જવાઈ હતી. જ્યાં સગીરાને નવ માસનો ગર્ભ રહી ગયો હોવાનું જણાવાતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. સગીરાને કઈ રીતે ગર્ભ રહ્યો તે તપાસનો વિષય છે. હાલ તો તેની ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે દરમિયાન ભચાઉ પોલીસ મથકે જાણવા જોગ નોંધ દાખલ થતા ઈન્ચાર્જ પીઆઈ શ્રી ઝીંઝુવાડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચકચારી બનાવને પગલે અનેક પ્રકારના તર્કવિતર્કો વહેતા થયા છે. જો કે, બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.