ભચાઉના હિંમતપુરામાંથી એક લાખનો દારૂ – બિયર ઝડપાયો

ગાંધીધામમાંથી ૧ર,૬૦૦નો શરાબ ઝડપાયો :આરોપી હાથ ન લાગ્યો

(ક્રાઈમ પ્રતિનિધી)ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દારૂની થતી રેલમછેલ પર પોલીસે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી શરાબ અને બીયરનો જથ્થો ઝડપી પાડયો છે. રાપરમાં કરાયેલી કાર્યવાહીની સાથે ભચાઉ અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પણ દારૂના જુદા જુદા બે દરોડા પાડયા હતા. જેમાં ભચાઉના હિંમતપુરા વિસ્તારમાંથી ૧.૦૩ લાખનો શરાબ ઝડપી પાડયો હતો. જેમાં એક આરોપી ઝડપાયો હતો, જયારે અન્ય એક હાથ લાગ્યો ન હતો. તો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ભારતનગરના રહેણાંક મકાનમાંથી ૧ર,૬૦૦/-નો દારૂ ઝડપ્યો હતો, પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો.પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ પોલીસની ટીમ દારૂ, જુગારની બદીઓને નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન હિંમતપુરા વિસ્તારમાં રહેતા આરોપી ફારૂક ઉર્ફે ડાડો જુમાભાઈ લુહારના રહેણાક મકાનમાં દરોડો પાડયો હતો. આરોપીના કબજાના મકાનમાંથી ૭૯,૮૦૦/-ની કિંમતની રર૮ નંગ દારૂની બોટલ તેમજ ર૪૦૦૦ ની કિંમતના ર૪૦ બીયરના ટીન મળીને ૧,૦૩,૮૦૦/-નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જયારે આરોપીની પુછતાછમાં રાપરનો લાલો નામનો શખ્સ દારૂ – બીયરનો જથ્થો વેંચાણ અર્થે આપી ગયો હતો. રેઈડ દરમ્યાન લાલાનો પત્તો લાગ્યો ન હતો. પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી એક મોબાઈલ મળી ૧,૧૩,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. તો બીજીતરફ ગાંધીધામના ભારતનગરમાં આવેલી જનતા કોલોનીમાં મકાન નં. ૧૮રમાં પોલીસે દરોડો પાડયો હતો. આરોપી લક્ષ્મણ ઉર્ફે લચ્છુ શ્યામદાસ નાથાણીના રહેણાંક મકાનમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને રૂા. ૧ર,૬૦૦/-ની કિંમતની ૩૬ બોટલ કબજે કરી હતી, જ્યારે દરોડા દરમ્યાન આરોપી લચ્છુ નાથાણી હાજર મળ્યો ન હતો. પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.