ભચાઉના શખ્સે મિત્રો સાથે મળી સુરતમાં વૃધ્ધ પાસેથી ર લાખ ભરેલો થેલો ઝુંટવ્યો

છરીની અણીએ લૂંટવા આવેલા શખ્સોને સ્થાનિકોએ ઝડપી લીધા

ભુજ : સુરતના મહિધરપુરા હીરાબજારમાં આંગડીયા પેઢીના વૃદ્ધ કર્મચારી પાસેથી રોકડા રૂ.૨ લાખ ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ થયો હતો. વૃધ્ધને લુંટવા આવેલા ભચાઉના શખ્સ સહિત અન્ય આરોપીઓને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યા હતા. સુરતમાં રહેતા ૬૦ વર્ષીય નવીનચંદ્ર મનસુખલાલ માધુ મહિધરપુરા હીરાબજાર જદાખાડીના નાકા પર આવેલી ધારા આંગડીયા પેઢીમાં છેલ્લા છ વર્ષથી ડીલીવરી મેન તરીકે નોકરી કરે છે. પેઢીમાં દિવસના અંતે વધતી સિલક રકમ તેઓ રોજ ઘરે લઈ જતા અને ઉઘડતા દિવસે પેઢીએ લાવતા હતા. નવીનચંદ્ર રૂ.૨ લાખ એક થેલીમાં લઈ ઘરેથી ઓફિસે જતા હતા ત્યારે પેઢીની સામે જ પાછળથી એક યુવાન આવ્યો હતો અને નવીનચંદ્રના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝુંટવા પ્રયાસ કર્યો હતો. જોકે, નવીનચંદ્રએ થેલો છોડયો નહોતો અને પકડી રાખી બુમાબુમ કરતા તે યુવાને કમરના ભાગેથી છરો કાઢી બતાવ્યો હતો. પણ નવીનચંદ્રએ તેનો હાથ પકડી ફરી બુમાબુમ કરતા એકત્ર થયેલા લોકોએ તે લૂંટારુને પકડી લીધો હતો. ઝડપાયેલા યુવાનને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેની ઓળખ બસીર ઉમરશા શેખ (રહે. મદીનાનગર, એચ.આર.પેટ્રોલ પંપની બાજુમાં, ભચાઉ, કચ્છ) તરીકે થઈ હતી. બસીરે વધુમાં કબૂલાત કરી હતી કે તેને પૈસાની જરૂર હોઈ તેણે સુરતમાં રહેતા મિત્રો કેતન પરષોત્તમભાઈ,વિપુલ ઉર્ફે લાલો બાવાજી રમેશગીરી, ઉદય અને અન્ય એક સાથે મળી આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાની યોજના બનાવી હતી.