ભચાઉના ગોકુલ ગામમાં બાયોડીઝલનું વેંચાણ કરતાં આદિપુરના શખ્સની ધરપકડ

રેડ દરમિયાન ૧ર૦૦ લિટર બાયોડીઝલ મળી ૧૦.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો : ભચાઉ ડીવાયએસપી શ્રી ઝાલા, પીઆઈ જી.એલ. ચૌધરીની ટીમનો સપાટો : પેટ્રોલિયમ પ્રવાહીનો સંગ્રહ અને વેચાણ કરનાર ઈસમ આદિપુરના જયદીપસિંગ દર્શનસિંગ ખાલસાની અટકાયત : ઝડપાયેલ શખ્સ બેઝઓઈલનો જથ્થો ક્યાંથી લાવતો અને કોને કોને વહેંચતો તે સહિતના થશે તપાસમાં ખુલાસા

ભચાઉ : તાલુકાના ગોકુલ ગામમાં બાયોડીઝલનનું વેચાણ કરતા આદિપુરના શખ્સ સામે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ રેડ દરમિયાન ૧ર૦૦ લિટર બાયોડીઝલ કબ્જે કરવામાં આવ્યું હતું.આ અંગેની વિગતો મુજબ ભચાઉ પીઆઈ જી.એલ. ચૌધરીને બાતમી મળી કે ગોકુલ ગામ એચપી પેટ્રોલપંપની પાછળ આવેલ રમેશ ગોવિંદ ચાવડાના વાડામાં શંકાસ્પદ બેઝઓઈલ ભરેલું ટેન્કર પડ્યું છે. જેથી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી ટેન્કર નંબર જી.જે. ૧ર એટી ૯૯૬૪ વાળુ કબ્જે કર્યું હતું. જેમાંથી ૧ર૦૦ લિટર પેટ્રોલિયમ પ્રવાહી બેજ ઓઈલ મળી આવતા સીઝ કરવામાં આવ્યું હતું. ભચાઉ પોલીસે ૧૦ લાખનું ટેન્કર અને ૭૮ હજારનું બાયોડીઝલ મળી કુલ રૂપિયા ૧૦.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત સ્થળ પર પેટ્રોલિયમ પ્રવાહીનો સંગ્રહ અને વેચાણ કરનાર ઈસમ આદિપુરના જયદીપસિંગ દર્શનસિંગ ખાલસાની અટકાયત કરવામાં આવી હતી. આ કામગીરીમાં ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલા, પીઆઈ જી.એલ. ચૌધરી, પીએસઆઈ એ.કે. મકવાણા તથા આમરડી ઓપીનો સ્ટાફ અને ભચાઉ પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા હતા.

એકાદ કેસમાં પાસા-હદપાર કરો તો જ અટકે

ભચાઉ-ચીરઈ પટ્ટામાં બેઝઓઈલનો ગેરકાયદે વેપલો હજુય બરકરાર..!

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ખુદ બેઝઓઈલ અને બાયોડીઝલના નામે મિક્ષ ઓઈલના વેપલાઓને ડામવાની કડક સુચના આપી હતી. કચ્છમાં તે સમયે છુટ્ટાછવાયા દરોડાઓ પડાયા હતા પરંતુ ભચાઉ અને ચીરઈ પટ્ટામાં આજે પણ બેઝઓઈલ-શંકાસ્પદ બાયોડિજલના સંગ્રહ, વ્યાપાર ચાલી જ રહ્યા હોય તેનો વધુ એક દાખલો આ ઝડપાયેલા જથ્થા પરથી સામે આવવા પામી રહ્યો છે. જાણકારો કહે છે કે, જયા સુધી એકાદ કેસમાં બેઝઓઈલ મામલે પાસા-હદપાર-તડીપારનુ શસ્ત્ર નહી ઉગામાય ત્યાં સુધી આ ગેરકાયદે વેપલો ડામવો કપરો જ મનાઈ રહ્યો છે. જાણકારો દ્વારા કહેવાય છે કે સીએમની તાકીદ બાદ કચ્છ ભરમાં આ ગેરકાયદેસર વેપલા આંશીક રીતે બંધ થઈ ગયા છે. પરંતુ ભચાઉ અને ચીરઈ પટ્ટામાં હજુ પણ બેઝઓઈલનો ગેરકાયદેસર વ્યાપાર કોની રહેમ નજરે ધમધમી રહયો છે?