ભચાઉના કરમરીયામાં યુવાનની હત્યા કરનાર 5 આરોપીઓની ધરપકડ

ભચાઉ : તાલુકાના કરમરીયા ગામે ડમ્પરમાં તોડફોડ કરી યુવકને લાકડીધોકાથી માર મારી હત્યા નીપજાવાઈ હતી. બનાવને પગલે ભચાઉ પોલીસે ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરીને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. હ્યુમન રીસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ભચાઉ પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

સમગ્ર બનાવ અંગે વિગતે વાત કરીએ તો કુંજીસરમાં રહેતા ફરિયાદી રમેશ કાનજીભાઈ આહિરે ફરિયાદ નોંધાવી હતી. જેમા તેના ભાઈ માદેવાભાઈ આહિરનો શંકર ડાયા આહિર નામના આરોપી સાથે ઝઘડો થયો હતો. માદેવાને આરોપી દ્વારા માર મારવામાં આવતા હોસ્પિટલ ખસેડાયો હતો. માદેવા અને શંકર ડાયા આહિર વચ્ચે વાહન બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં માદેવાની બાઈકમાં નુકસાન કરાતા માદેવા આહિરે આરોપીની સ્કોર્પિયો અને હોટલની પાર્કિંગમાં નુકસાન કર્યું હતું. જેનું મનદુઃખ રાખી માદેવાભાઈ જ્યારે ડમ્પરથી કરમરીયા ગામથી પાછા આવતા હતા, ત્યારે શંકર ડાયા આહિર અને તેના માણસોએ તેને રોકાવી ગાડીમાં તોડફોડ કરી હતી. તેમજ માદેવાભાઈને લાકડીધોકાથી હાથપગમાં માર મરાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માદેવાભાઈને સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. બનાવમાં ભચાઉ પી.આઈ જી.એલ ચૌધરીની સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન રીસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આરોપી શંકર ડાયાભાઈ છાંગા, વાઘજીભાઈ ડાયાભાઈ છાંગા, રામજીભાઈ ડાયાભાઈ છાંગા, વાઘજી ગણેશભાઈ છાંગા, અને દેવજી ગણેશભાઈ છાંગાની ધરપકડ કરાઈ હતી. પોલીસે મુખ્ય આરોપીને કોર્ટ રોડ ભચાઉ બાયપાસ રોડે પરથી અને સહ આરોપીઓને કરમરિયા સીમ વિસ્તાર રોડ પરે નાકાબંધી કરીને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ભચાઉ પી.આઈ જી.એલ ચૌધરી સહિત સર્વેલન્સ સ્ટાફની ટીમે જહેમત ઉઠાવી હતી.