ભચાઉના કંથકોટમાં વીજપાત થતા 18 બકરાઓના મોત

કડોલ, મનફરા પંથકમાં પણ ભારે ઝાપટા વરસતા વહી નીકળ્યા પાણી

ભચાઉ : તાલુકાના કંથકોટ સહિતના આસપાસના પંથકમાં ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડારૂપી વરસાદને કારણે કેટલાક ઝુંપડાઓમાં પતરા ઉડ્યા હતા. તો ગામના રબારીવાસમાં આકાશી વીજળી ત્રાટકતા 18 બકરાઓ મોતને ભેટ્યા હતા.
એકાદ સપ્તાહથી કચ્છમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ વાગડ વિસ્તારમાંથી ફરી કડાકા ભડાકા સાતે મઘરાજાએ પધરામણી કરી હતી. વગડમાં બપોર બાદ પલટાયેલા હવામાનને પગલે ભચાઉ તાલુકાના કંથકોટમાં આકાશી વીજળી પડી હતી. ભચાઉ તાલુકા કોગ્રેસ પ્રમુખ બળુભા જાડેજાએ જણાવ્યુ હતુ કે, ગામના રબારીવાસ વિસ્તારમાં વીજળી ત્રાટકતા 18 બરકાઓ મોતને ભેટ્યા હતા. કંથકોટમાં ગામના બકરા ચરાવતા ગોવિંદ કરશન રબારીની 10 બકરીઓ અને અન્ય 8 બકરી મળીને કુલ અઢાર બકરીઓ પર વિજળી પડવાથી મોત નીપજ્યુ હતુ. બનાવને પગલે માલધારી પર આભ ફાટ્યા સમાન સ્થિતિ સર્જાઈ હતી. નાના માલધારીના બકરાઓ મોતને ભેટતા રોજીરોટીને અસર થઈ છે. કંથકોટ અને આજુબાજુના ગામોમાં વાવાઝોડા રૂપી વરસાદના કારણે કેટલાક મકાનોના પતરા પણ ઉડયા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે અડધાથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.
તો આ તરફ કડોલ, મનફરા, કકરવા સહિતના પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. સમી સાંજે ભચાઉના આ ગ્રામ્ય પંથક અને તેની આસપાસના ગામડાઓમાં પણ વરસાદ થયાના સમાચરો સાપડ્યા હતા. ભારે ઝાપટા સાથે વરસેલા વરસાદને કારણે પાણી વહી નીકળ્યા હતા.