ભચાઉના આમરડીમાં પુત્રએ પિતાની કરી ઘાતકી હત્યા

૬૦ વર્ષિય વૃદ્ધનો મૃતદેહ વાડીમાંથી મળી આવતા ભચાઉ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે : માથામાં અને ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળ્યા : હતભાગીના મૃતદેહને પીએમ માટે ભચાઉ સીએચસીમાં ખસેડાયો

(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : તાલુકાના આમરડી ગામે પુત્રએ પિતાની હત્યા નિપજાવતા ચકચાર મચી ગઈ છે. ૬૦ વર્ષિય પિતાનો મૃતદેહ વાડીમાંથી મળી આવ્યો હતો. રાત્રી દરમ્યાન હત્યાની ઘટનાને અંજામ અપાયા બાદ આજે હતભાગીનો મૃતદેહ મળી આવતા ભચાઉ પોલીસને જાણ કરાઈ હતી. બનાવને પગલે પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. ભચાઉ પોલીસ દફતરેથી મળેલી વિગતો મુજબ આમરડીમાં રહેતા રતાભાઈ માવાભાઈ ગોટી (ઉ.વ.૬૦) નામના વૃદ્ધનો મૃતદેહ વાડીમાંથી મળી આવ્યો હતો. હતભાગીને માથાના ભાગે અને ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. ગામની વાડીમાંથી ગામના જ વૃદ્ધનો મૃતદેહ મળી આવતા નાનકડા એવા આમરડી ગામ સહિત વાગડ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવને પગલે ભચાઉ પોલીસને જાણ કરાતા પીઆઈ સીધ્ધાર્થકુમાર કરંગીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હતભાગીના મૃતદેહને પોલીસે પીએમ માટે ભચાઉ સીએચસીમાં ખસેડયો હતો.સુત્રો મારફતે ઘટનાની મળતી વિગતો મુજબ પુત્રએ જ તેના પિતાની કરપીણ હત્યા નિપજાવી હતી. જો કે, આ બાબતે હજુ સુધી પોલીસે કોઈ સત્તાવાર માહિતી આપી ન હતી. પરંતુ કોઈને કોઈ કારણોસર પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું હોવાની ચર્ચા વાગડ વિસ્તારમાં વાયુવેગે પ્રસરી હતી.