ભગવાન શિવશંકરની નગર પ્રદક્ષિણા ભુજમાં મહાશિવરાત્રીના પાવન પર્વે શહેરના મુખ્યમાર્ગો શિવતાંડવથી ગૂંજ્યા

મહાકાલેશ્વર મંદિર પારેશ્વર ચોકથી નીકળેલી વિશાળ શોભાયાત્રાએ શહેરમાં જમાવ્યું આકર્ષણ : રપ જેટલા વિવિધ ફલોટ્‌સ સાથે નીકળેલી શિવ રવાડીમાં શીવતાંડવનો નાદ ગૂંજી ઉઠ્યો : દરેક સમાજ, મંડળો અને ગ્રૂપો ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા

 

ભુજ : આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે કચ્છભરમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠ્યો હતો. ત્યારે જિલ્લા મથક ભુજ ખાતે પણ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત હિન્દુ સનાતન સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રાએ અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.
ભુજના પારેશ્વર ચોકમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પાસેથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. વિધાનસભાના પ્રોટેમ સ્પીકર અને ભુજના ધારાસભ્ય એવા ડો. નીમાબેન આચાર્ય, કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા, નગરપતિ અશોક હાથી, ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, સમસ્ત હિન્દુ સનાતન સમાજ મહાશિવરાત્રી સમિતિના પરાક્રમસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હર હર મહાદેવના નાદથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. ભુજના હમીરસર કાંઠે, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સર્કલ, સ્વામિનારાયણ મંદિર, મોટા બંધ, જ્યુબિલી સર્કલ, સંતોષી માતાના મંદિર, વીડી સ્કૂલ, વાણિયાવાડ સર્કલ, બસ સ્ટેરશન ઓલ્ફ્રેડ સ્કૂલ થઈને બપોરે શોભાયાત્રા ધિંગેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી. શોભાયાત્રામાં સમસ્ત હિન્દુ સનાતન સમાજના લોકો સ્વયંભૂ ઉમટ્યા હતા. વિવિધ મંડળો, સંસ્થાઓ અને યુવાનોના ગ્રૂપોએ શોભાયાત્રામાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં ભગવાન શિવશંકરની દિવ્ય પ્રતિમાન આકર્ષણનું કેન્દ્ર રહી હતી. શીવશંભુની આબેહુબ પ્રતિમાથી જાણે ખુદ ભગવાન ભોળાનાથ ભુજ નગરમાં ભ્રમણ કરવા નીકળ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તો શીવલીંગ અન્ય શણગારેલી કૃતિઓ મળીને શોભાયાત્રામાં કુલ રપ જેટલા ફલોટ્‌સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. શોભાયાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષાઓમાં સજ્જ થઈને અનેરી ઝાંખી ઉભી કરી હતી. તો ઘોડે સવારો, ખુલ્લી જીપ, તલવાર રાસ સહિતની કરતબો જોણું બની હતી. તો વિવિધ ગ્રૂપમાં સજ્જ થયેલા યુવક-યુવતીઓએ સાફામાં સજ્જ થવાની સાથે પોતાના ગ્રૂપની આગવી વેશભૂષાથી આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં શિવતાંડવ સહિતના ભગવાન ભોળાનાથના ગીતો અને ભજનોથી રાસ-ગરબાની રમઝટ જોવા મળી હતી. સમગ્ર શોભાયાત્રાનો રૂટ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યો હતો. શોભાયાત્રાની ઝલક નિહાળવા પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. ટાઉનહોલ પાસે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય દ્વારા શોભાયાત્રા પર પુષ્પવૃષ્ટિ કરીને આવકાર આપ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરવા નીકળેલા ખુદ દેવાધિદેવ મહાદેવ અને તેમના હજારોની સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ અદ્દભૂત નજારો ખડો કર્યો હતો.
શોભાયાત્રાના રૂટ પર વિવિધ સમાજો અને મંડળો દ્વારા છાસ-પાણી અને શરબત સહિત અલ્પાહારની વ્યવસ્થા પણ રખાઈ હતી. તો શોભાયાત્રા સંપન્ન થયા બાદ હમીરસર કાંઠે મહાપ્રસાદનો લાભ પણ હજારો ભાવિકોએ લીધો હતો. મહાશિવરાત્રીની આ ઉજવણીને સફળ બનાવવા સમસ્ત હિન્દુ સનાતન સમાજની મહાશિવરાત્રી ઉજવણી સમિતિ દ્વારા આયોજન થયું હતું.