બ્લેકઆઉટની દહેશત વચ્ચે વીજ કર્મચારીઓનું હડતાળનું એલાન

આગામી ૨૦મીએ કચ્છ સહિત રાજ્યભરના વીજ કર્મીઓની સામૂહિક માસ સી.એલ.

(બ્યુરો દ્વારા) ભુજ : વીજસંકટની દહેશત વચ્ચે પીજીવીસીએલના ૧૩૦૦૦થી વધુ કર્મચારીઓએ આગામી ૨૦મીએ સામૂહિક માસ સી.એલનું એલાન આપતા વીજ ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. વીજ યુનિયનો દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે લાંબા સમયથી રજૂઆતો થઈ હોવા છતા મેનેજમેન્ટ દ્વારા યોગ્ય નિરાકરણ ન આવતા વીજકર્મીઓ ધુંઆપુંઆ થઈ ગયા છે. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પુનઃ માસ સીએલનું એલાન અપાતા બ્લેકઆઉટની દહેશત વચ્ચે વધુ એક મુસીબત ઉભી થઈ છે.

આ અંગેની વિગતો મુજબ ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટરને ૨૧ મુદ્દા સાથેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. વીજ કર્મચારીઓના પ્રશ્નનો નિકાલ કરવામાં પીજીવીસીએલના મેનેજમેન્ટે યુનીયન અને કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે નોટીસ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વીજ કંપનીમાં વિવિધ પરીપત્રો અને એસ્ટાબ્લીસમેન્ટના પરીપત્રનો ઉલ્લંઘન કરી અધિકારીઓ અને કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ફેલાવવામાં આવે છે. ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓની વિનંતીથી બદલી-બઢતી અટકાવવામાં આવી છે. ૭૦૦ જેટલી ઈલેકટ્રીક આસીસ્ટનની જગ્યાઓ ખાલી છે તેની પરીક્ષા લેવાય હોવાથી પણ પરિણામ જાહેર કરવામાં આવતું નથી. સર્કલ અને ડીવીઝન ઓફિસમાં એકાઉન્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટની જગ્યાઓ ખાલી છે. સિનિયર આસીસ્ટન્ટથી ડેપ્યુટી સુપ્રિ-એકાઉન્ટ, ડે.સુપ્રિ-એકાઉન્ટથી એસ્ટાના પ્રમોશન, નવી ભરતી, મિટર ટેસ્ટર, મિટર ઈન્સ્ટ્રકટરની બદલી ડીવીઝનમાં વધારાની બીજી સુપ્રિ.એકાઉન્ટની જગ્યા ઉભી કરવી સહિતની જુદી જુદી ૨૧ માગણીઓ કરવામાં આવી છે. આ માગણીઓનો નિકાલ કરવામાં નહીં આવતા યુનિયન ધૂંઆફૂંઆ બન્યું છે.

આ બાબતે કચ્છ પીજીવીસીએલના યુનિયનના આગેવાનોએ જણાવ્યું કે, લાંબા સમયથી પીજીવીસીએલના કર્મચારી અને અધિકારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી. આ માટે ગત મહિને ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા મેનેજીંગ ડિરેકટરને વિવિધ મુદ્દાઓ સાથે આંદોલનનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતું. દરમિયાન મેનેજમેન્ટ દ્વારા બઢતી બદલીના પ્રશ્નનો નિકાલ કરી આપી અન્ય પ્રશ્નો પણ ઝડપથી ઉકેલવાની ખાતરી આપતા આંદોલન પાછુ ખેંચી લેવામાં આવ્યુ હતું. પરંતુ તમામ પ્રશ્નોનું નિરાકરણ થયું ન હોઈ આગામી ર૦મીએ માસ સીએલનું એલાન અપાતા કચ્છના કર્મચારીઓ પણ તેમાં જાેડાશે.