બ્રિટનના પ્રધાનમંત્રી જોન્સનની વોટ્‌સએપ ચેટ લિક થતા ખળભળાટ મચ્યો

(જી.એન.એસ.)લંડન,બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની વોટ્‌સએપ ચેટ લીક થઈ હોવાનું સામે આવ્યું છે. આ ચેટને બોરિસના જ પૂર્વ સલાહકાર રહેલા ડોમિનિક કમિંગ્સે લીક કરી છે. આ ચેટમાં બોરિસ જોનસન સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકોકની ટીકા કરી રહ્યા છે. તો કમિંગ્સે પોતાની એક લાંબી બ્લોગ પોસ્ટમાં એ આરોપ લગાવ્યો છે કે મેટ હેનકોક કોરોનાકાળની અસફળતાઓ છૂપાવવા માટે જૂઠ બોલી રહ્યા છે. કમિંગ્સે એક વોટ્‌સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.
કમિંગ્સ પ્રમાણે આ સ્ક્રીનશોટ ગત વર્ષ ૨૬ માર્ચનો છે. આમાં કમિંગ્સ અને બોરિસ જોનસન યુકેની કોવિડ ક્ષમતાઓને લઇને વાત કરી રહ્યા છે. આ ચેટ દરમિયાન બોરિસ જોનસન ઘણા જ નિરાશ જોવા મળી રહ્યા છે અને કહે છે કે સ્વાસ્થ્ય સચિવ મેટથી કોઈ આશા કરી શકાય નહીં. આ ઉપરાંત ગત વર્ષે ૨૭ એપ્રિલના એક ચેટને પણ કમિંગ્સે લીક કરી છે. આ ચેટમાં બોરિસ સ્પષ્ટ કરે છે કે તેમને પીપીઇ કિટની જવાબદારી મેટ હેનકોકથી લેવી જોઇએ અને તેમની જગ્યાએ આ જવાબદારી ઑફિસ મિનિસ્ટર માઇકલ ગોવને આપી દેવી જોઇએ.તો આ ચેટના આધાર પર કમિંગ્સે બોરિસ પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે મેટ હેનકોક કોરોનાકાળમાં ટેસ્ટિંગ, પીપીઈ કિટ્‌સ અને હોમ કેરને લઇને સંપૂર્ણ રીતે અસફળ સાબિત થયા અને બોરિસે ખુદ તેની ટીકા કરી. તેમ છતાં બોરિસે મેટને પદ પરથી હટાવ્યા નહીં. તેમની બેદરકારીના કારણે યૂકેમાં અનેક લોકોના મોત થયા. તો આ ચેટના સામે આવ્યા બાદ વિપક્ષી દળના જસ્ટિન મેડર્સે બોરિસની ટીકા કરતા કહ્યું કે, આ ચેટ્‌સથી સ્પષ્ટ છે કે સત્તાધારી પાર્ટી લોકડાઉન અને પીપીઈ કિટ્‌સને લઇને બેદરકારી વર્તતી રહી જેના કારણે આપણે અનેક લોકોને ગુમાવ્યા.