બોર્ડ પરીક્ષા સીડી પરીક્ષણ : કચ્છના શંકાસ્પદ કોપી કેસો ગાંધીનગર મોકલાયા

ભુજ : કચ્છ જિલ્લાના ૩૬ કેન્દ્રો પર સીસી ટીવી કેમેરાની નિગરાની હેઠળ બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી. પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કેમેરાઓના રેકોર્ડીંગની સીડીઓનું પરીક્ષણ હજુ ચાલી રહ્યું છે ત્યારે કેટલાક શંકાસ્પદ કોપી કેસો સામે આવતા તેને ગાંધીનગર કક્ષાએ મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના
ભાવિ માટે અતિ મહત્ત્વની એવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં થતી ગરેરીતિઓને ડામવા માટે સીસી ટીવી તેમજ ટેબ્લેટોની નિગરાની હેઠળ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે જ સીસી ટીવી કેમેરાઓના લીધે પરીક્ષાઓમાં ચોરીનું દુષણ પહેલાં કરતા ઘટ્યું છે, પરંતુ હજુ ઘણા વિદ્યાર્થીઓ ચોરી કરી લેતા હોય છે. પરીક્ષા દરમ્યાન દરેક બ્લોકના થયેલા રેકોર્ડીંગની બે સીડી બનાવવામાં આવી છે. જેમાંથી એક સીડી સ્થાનિક કક્ષાએ પરીક્ષણ માટે રખાય છે, જ્યારે બીજી સીડી બોર્ડમાં મોકલવામાં આવે છે.
કચ્છની વા તકરીએ તો અહીં ૧પ૭ બિલ્ડિંગના ૧પ૯૦ બ્લોકમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં રાપર, ભચાઉ, આડેસર અને સામખિયાળી કેન્દ્રની ૧૯ બિલ્ડિંગોને સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરાયા હતા. ૪૬ કેન્દ્રો પૈકી ૩૬ કેન્દ્રો પર સીસી ટીવી કેમેરા મારફતે જ્યારે ૧૦ કેન્દ્રો પર ટેબ્લેટો મારફતે નિગરાની રાખવામાં આવી હતી. માર્ચ માસના અંતિમ સપ્તાહથી જિલ્લામાં સીડી પરીક્ષણનો પ્રારંભ થયો છે ત્યારે આ પરીક્ષણ દરમ્યાન સામે આવેલા શંકાસ્પદ કોપી કેસોને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી હાથ ધરાયેલી પ્રક્રિયા દરમ્યાન સામે આવેલા શંકાસ્પદ કોપી કેસોને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. જો કે, આવા કેસોની સંખ્યા કેટલી તે અંગે તેમણે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિગતો આપવાનું યોગ્ય માન્યું હતું.