બોર્ડની શાળા કક્ષાની પ્રાયોગિક અને થિયરી પરીક્ષાઓનો કચ્છમાં પ્રારંભ

ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨ માર્ચથી બોર્ડની  પરીક્ષા લેવામાં આવનાર છે. પરંતુ તે પહેલા સ્કૂલ કક્ષાએ લેવામાં આવતી બોર્ડની  પ્રાયોગિક અને થિયરીની  પરીક્ષાઓ લેવાની હોય છે. આ  પરીક્ષાઓનો આજથી પ્રારંભ થવા પામ્યો છે. ધોરણ-૧૦માં બોર્ડ દ્વારા છ વિષયની પરીક્ષા લેવામાં આવે છે જ્યારે એક વિષયની  પરીક્ષા સ્કૂલ કક્ષાએ લેવાય છે. આ  ઉપરાંત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને અન્ય પ્રવાહમાં પ્રાયોગિક પરીક્ષા પણ આજથી શરૂ કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ ૧૭ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાશે. ત્યારબાદ ૨૦ ફેબ્રુઆરીથી ધોરણ-૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ અંગેની વિગતો મુજબ બોર્ડની પરીક્ષા પહેલા ફેબ્રુઆરી માસમાં સ્કૂલ કક્ષાએ લેવાતી પરંતુ આ વખતે થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ધોરણ-૧૦માં એક વિષયની પરીક્ષા લેવાની જવાબદારી બોર્ડ દ્વારા સ્કૂલોને સોંપવામાં આવેલી છે. જેથી સ્કૂલો ૧૪ ફેબ્રુઆરીથી લઈ ૧૭ ફેબ્રુઆરી દરમિયાન પોતાની રીતે આ પરીક્ષાનું આયોજન કરી પરીક્ષા પૂર્ણ થયા બાદ તેના ગુણ બોર્ડને મોકલી આપશે. જેથી બોર્ડ દ્વારા અંતિમ પરીક્ષા બાદ તે ગુણ માર્કશીટમાં દર્શાવવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સંગીત સહિતના અન્ય વિષયોની પ્રાયોગિક પરીક્ષા પણ આજથી શરૂ કરવામાં આવી છે અને આ પરીક્ષા ૧૭ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાશે. આમ, બોર્ડ દ્વારા સ્કૂલોને ૧૭ ફેબ્રુઆરી સુધીમાં આ પરીક્ષાઓ પૂર્ણ કરવા માટે સૂચના આપી દીધી છે. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ ૨૦ ફેબ્રુઆરીથી ધોરણ-૧૨ સાયન્સના મુખ્ય ત્રણ વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે. સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની પ્રેક્ટિકલ પરીક્ષા ૨૦ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને ૨૪ ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષાઓ પૂર્ણ કરી દેવાશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંત સુધીમાં તમામ
પરીક્ષાઓના પરિણામ તૈયાર કરી તેના ગુણ સ્કૂલોએ બોર્ડને મોકલી દેવાના રહેશે. આમ, સ્કૂલો ફેબ્રુઆરી માસના અંત સુધીમાં બોર્ડની પહેલા તબક્કાની કામગીરીમાંથી મુક્ત થશે ત્યારબાદ ૧૨ માર્ચથી બોર્ડની  પરીક્ષાઓનો પ્રારંભ થશે.